Get The App

બપોરે રેતી, ઈંટ, સિમેન્ટનું તાપમાન બહારના ટેમ્પરેચર કરતાં ૨૦ ડિગ્રી સુધી વધી જાય છે

Updated: May 24th, 2024


Google NewsGoogle News
બપોરે રેતી, ઈંટ, સિમેન્ટનું તાપમાન બહારના ટેમ્પરેચર કરતાં ૨૦ ડિગ્રી સુધી વધી જાય છે 1 - image

વડોદરાઃ હાલમાં ચાલી રહેલો હીટવેવ લોકો માટે આફત બનીને આવ્યો છે.બપોરના સમયે તો ગરમી લાગે જ છે પણ સાંજે સૂર્યાસ્ત બાદ પણ ગરમ ભઠ્ઠી જેવો અનુભવ લોકો કરી રહ્યા છે.

જેની પાછળનુ એક કારણ બાંધકામ  માટે વપરાતા વિવિધ મટિરિયલ પણ છે.જેમની ગરમી પરાવર્તિત કરવાની ક્ષમતા ઓછી છે.એમ.એસ.યુનિવર્સિટીના સિવિલ એન્જિનિયરિંગ  વિભાગના છેલ્લા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ યશ પોપટ, સ્નેહ નવાદિયા, વિધિ સિંઘ,ઝૈનબ ઉદાવાલાએ   ઈંટ, પ્લાસ્ટર કરેલી ઈંટ, એસીસી બ્લોક, સિમેન્ટ, રેતી, સફેદ સિમેન્ટ, માટી, કપચી અને પતરાને નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ખુલ્લામાં મુકીને રાઉન્ડ ધ ક્લોક તેનુ ટેમ્પરેચર માપ્યુ હતુ.વિદ્યાર્થીઓને પોલીટેકનિકના ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના અધ્યાપક શિતલ શ્રીખંડે એ ટેકનોલોજી ફેકલ્ટીના મિકેનિકલ એન્જિનિયરિંગના અધ્યાપક ડો.જે આર મહેતાએ આ સ્ટડી હાથ ધરવામાં મદદ કરી હતી. આ ટીમે  પરીક્ષણો બાદ તારણ કાઢ્યુ હતુ કે, બપોરના સમયે  તાપમાનનો પારો સૌથી વધારે હતો ત્યારે આ તમામ મટિરિયલનુ તાપમાન બહારના તાપમાન કરતા ૧૦ થી ૧૫ ડિગ્રી જેટલુ વધારે નોંધાયુ હતુ.તેમાં પણ  સૌથી વધારે તાપમાન પ્લાસ્ટર કરેલી ઈંટનુ જોવા મળ્યુ હતુ.

જેમ કે ૧ ડિસેમ્બરે બપોરના બે વાગ્યે બહારનુ તાપમાન ૨૯.૪ ડિગ્રી હતુ ત્યારે પ્લાસ્ટર કરેલી ઈંટના તાપમાનનો પારો થર્મોમિટર પર ૪૯.૦૬ ડિગ્રી બતાવતો હતો.આ રીતે વારાફરથી તમામ મટિરિયલ પર આ પ્રયોગ કરવામાં આવ્યો હતો.આ પ્રયોગ માટે પાયરેનોમીટર, એલ્બેડો સોફ્ટવેર, પીટી-૧૦૦ નિડલ સાથેનુ સેન્સર જેવા ઉપકરણો વાપરવામાં આવ્યા હતા.

આ ટીમના ગાઈડ અને ટેકનોલોજી ફેકલ્ટીના અધ્યાપક ડો.સંસ્કૃતિ મઝૂમદારનુ કહેવુ છે કે, કોઈ પણ મટિરિયલ કેટલી ગરમી શોષે છે અને કેટલી ગરમીને પરાવર્તિત કરે છે તેના રેશિયોને એલ્બેડો કહેવામાં આવે છે. સફેદ રંગ સૂરજના કિરણોને વધારે પરાવર્તિત કરે છે  અને તેના કારણે અગાસી પર વ્હાઈટવોશ કરવાનો આગ્રહ ઘણા લોકો રાખતા હોય છે. બાંધકામના મોટાભાગના મટિરિયલ વધારે પડતી ગરમી શોષતા હોવાથી બહારના તાપમાન કરતા આ મટિરિયલનુ તાપમાન વધારે રહેતુ હોય છે અને તેના કારણે ભીષણ ગરમીમાં ઈમારતોને ઠંડી થતા વાર લાગે છે.આ સ્થિતિના કારણે શહેરમાં હીટ આઈલેન્ડની સંખ્યા વધી રહી છે.

સંશોધકોનુ કહેવુ છે કે, આ પ્રયોગ શિયાળાના સમયમાં કરવામાં આવ્યો હતો.અત્યારના હીટવેવમાં ૪૨ થી ૪૫ ડિગ્રી સુધી તાપમાનનો પારો જઈ રહ્યો છે ત્યારે તો બિલ્ડિંગ મટિરિયલનુ તાપમાન સ્વાભાવિક રીતે ૫૦ ડિગ્રીની ઉપર અને મહત્તમ ૬૦ ડિગ્રી સુધી પણ રહેતુ હશે અને તેથી જ અત્યારે ચાલી રહેલા હીટવેવમાં ભર બપોરે એસી ચાલુ કર્યાના ૨૦ થી ૨૫ મિનિટ સુધી ઠંડક નહીં અનુભવાતી હોવાની ફરિયાદ ઘણા લોકો કરી રહ્યા છે.

બહારના તાપમાન સામે બાંધકામ મટિરિયલનુ કેટલુ તાપમાન નોંધાયું તેના આંકડા 

--૮ નવેમ્બરે બપોરે એક વાગ્યે સૌથી વધારે ૩૧.૦૬ ડિગ્રી ટેમ્પેરેચર ન ોંધાયુ હતુ.તે વખતે પતરાનુ તાપમાન ૪૩.૧૩ ડિગ્રી અને માટીનુ તાપમાન ૪૦.૧૯ ડિગ્રી હતુ.જોકે ૨૮ ડિગ્રી ગરમીમાં આ બંને મટિરિયલનુ તાપમાન ૨૯ ડિગ્રીની આસપાસ રહ્યુ હતુ.

--એક ડિસેમ્બરે સવારે ૧૦ વાગ્યે બહારનુ તાપમાન ૨૪.૨૯ ડિગ્રી હતુ ત્યારે પ્લાસ્ટર કરેલી ઈંટનુ ટેમ્પરેચર ૨૪.૩૮ ડિગ્રી અને ઈંટનુ ટેમ્પરેચર ૨૫.૧૩ ડિગ્રી હતુ પણ બપોરે ૨ વાગ્યે દિવસનુ મહત્તમ ૨૯.૪ ડિગ્રી તાપમાન નોંધાયુ ત્યારે પ્લાસ્ટર કરેલી ઈંટનો તાપમાનનો પારો ૪૯.૦૬ ડિગ્રી પર અને ઈંટનો પારો ૩૮.૪૪ ડિગ્રી પર પહોંચી ગયો હતો.

--૧૫ નવેમ્બરે સંશોધકોએ સવારે ૧૦ વાગ્યે બહારનુ તાપમાન ૨૪.૭ ડિગ્રી નોંધ્યુ હતુ.તે વખતે કપચીનુ તાપમાન ૨૬.૪ ડિગ્રી, સિમેન્ટનુ તાપમાન ૨૯.૦૬ ડિગ્રી, રેતીનુ તાપમાન ૨૭.૫૬ ડિગ્રી,વ્હાઈટ સિમેન્ટનુ તાપમાન ૨૭.૩૮ ડિગ્રી નોંધાયુ હતુ.બપોરે બે વાગ્યે જેવો તાપમાનનો પારો ૨૮.૯ ડિગ્રી પર પહોંચ્યો હતો તે સાથે જ કપચીનુ ટેમ્પરેચર વધીને ૪૦.૮૧ ડિગ્રી, સિમેન્ટનુ ૪૬.૦૬ ડિગ્રી, રેતીનુ ૪૫.૪૪ ડિગ્રી અને રેતીનુ ૪૩.૨૫ ડિગ્રી પર પહોંચી ગયુ હતુ.


Google NewsGoogle News