MSUના સંશોધકોએ દૂષિત પાણીને ત્રણ મિનિટમાં શુધ્ધ કરી શકે તેવું નેનો મટિરિયલ વિકસાવ્યું

Updated: Apr 21st, 2024


Google NewsGoogle News
MSUના સંશોધકોએ દૂષિત પાણીને ત્રણ મિનિટમાં શુધ્ધ કરી શકે તેવું નેનો મટિરિયલ વિકસાવ્યું 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના એપ્લાઈડ કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ એવુ નેનો મટિરિયલ વિકસાવ્યુ છે જે કેમિકલયુક્ત પાણીને ત્રણ મિનિટમાં શુધ્ધ કરી શકે છે.શુધ્ધ કરેલુ પાણી ફરી ઉપયોગમાં પણ લઈ શકાય છે.આ સંશોધનની નોંધ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લેવાઈ છે.

અમેરિકાની ખ્યાતનામ અને દુનિયાના વૈજ્ઞાાનિકોના સૌથી મોટા સંગઠનો પૈકીની એક અમેરિકન કેમિકલ સોસાયટી દ્વારા ૧૪૦ દેશોમાં પ્રકાશિત થતી જર્નલ એપ્લાઈડ એન્જિનિયરિંગ મટિરિયલ્સના કવર પેજ પર તેની નોંધ લેવામાં આવી છે.આ પહેલા પણ એપ્લાઈડ કેમેસ્ટ્રી વિભાગના જ સંશોધકોએ વિકસાવેલા પતંગિયા આકારના  મોલેક્યુલ્સને બ્રિટનની રોયલ સોસાયટી ઓફ કેમેસ્ટ્રીની જર્નલના કવરપેજ પર સ્થાન મળ્યુ હતુ.

હવે એપ્લાઈડ કેમેસ્ટ્રી વિભાગના વરિષ્ઠ અધ્યાપક ડો.સંજીવ કુમારના માર્ગદર્શન હેઠળ તેમના બે પીએચડી સ્ટુડન્ટસ વિશ્વજીત ચાવડા તથા દર્શના હીરપરાએ ડાઈ અને ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા દૂષિત કરાતા પાણીની સમસ્યાનો ઉકેલ લાવી શકે તેવુ નેનો મટિરિયલ બનાવવામાં સફળતા મેળવી છે.આ સંશોધનમાં તેમને વિભાગના અન્ય એક અધ્યાપક ડો.વંદના રાવે પણ મદદ કરી છે.

ડો.સંજીવ કુમાર કહે છે કે, પ્લાસ્ટિક, કેમિકલ, ટેક્સટાઈલ અને ડાઈ ઈન્ડસ્ટ્રીની સૌથી મોટી આડઅસર તેમના દ્વારા છોડવામાં આવતા દૂષિત પાણીના કારણે થાય છે.અમે ગ્રેફાઈટમાંથી બનતા ગ્રેફિન ઓકસાઈડ, તેની સાથે ટાઈટેનિયમ ઓકસાઈડ(જેનો ઉપયોગ ટેલ્કમ પાઉડર બનાવવા માટે થાય છે), ક્લોરિન ક્લોરાઈડ અને યુરિયા એમ ચાર કમ્પાઉન્ડનુ સંયોજન કરીને આ નેનો મટિરિયલ બનાવ્યુ છે.લેબોરેટરીમાં અમે કરેલા પ્રયોગોએ પૂરવાર કર્યુ છે કે, આ નેનો મટિરિયલ મિથેલિન બ્લુ નામની ડાઈથી દૂષિત થતુ પાણી માત્ર ત્રણ મિનિટમાં શુધ્ધ કરી શકે છે.

તેમના જણાવ્યા અનુસાર મિથેલિન બ્લુ ડાઈ ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં વ્યાપક રીતે ઉપયોગમાં લેવાય છે.આ મટિરિયલનુ  ઔદ્યોગિક ઉત્પાદન કરવામાં આવે તો તે ચોક્કસપણે ઉદ્યોગો માટે અત્યંત સસ્તી વોટર ટ્રીટમેન્ટનો વિકલ્પ બની શકે છે.

અલગ અલગ રિસર્ચ પેપર સાથે સરખામણી કર્યા બાદ કવર પેજ પર સ્થાન

નેનો મટિરિયલ માટે સંશોધન કરનાર પીએચડી સ્ટુડન્ટ વિશ્વજીત ચાવડા કહે છે કે, અમેરિકન કેમિકલ સોસાયટીએ સંશોધનને માર્ચ મહિનામાં પ્રકાશિત થયેલી પોતાની જર્નલના કવર પેજ પર સ્થાન આપતા પહેલા દુનિયાભરમાંથી તેમને મોકલવામાં આવેલા આ જ પ્રકારના રિસર્ચ પેપરોની સરખામણી આ સંશોધનને લગતા રિસર્ચ પેપર સાથે કરી હતી અને બાદમાં  આ સંશોધનની પસંદગી પોતાના કવર પેજ માટે કરી હતી.આ 

માત્ર ક્લોરિનેશન ટ્રીટમેન્ટ પૂરતી નથી 

સંશોધકોનુ માનવુ છે કે, કેટલીક ડાઈ ઈન્ડસ્ટ્રીઝ અને ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝ પાણીને ટ્રીટ કર્યા વગર છોડી દે છે.જેના કારણે કેમિકલ યુક્ત પાણી અન્ય પાણીમાં ભળે છે ત્યારે તે જળચર સૃષ્ટિને પણ નુકસાન પહોંચાડે છે.પાણીમાં ભળતી ડાઈ માણસોને પણ નુકસાન કરી શકે છે અને આ પાણી પીવા લાયક પણ રહેતુ નથી.અત્યારના ધારાધોરણોનુ પાલન કરનાર કંપનીઓ પણ દૂષિત પાણીનુ માત્ર ક્લોરિનેશન કરે છે.જે અસરકારક ના કહી શકાય.આ સંજોગોમાં પાણીની ટ્રીટમેન્ટ માટે આ નેનો મટિરિયલ ઉપયોગી પૂરવાર થાય તેમ છે.

નેનો મટિરિયલની કેટલીક વિશેષતાઓ

--આ નેનો મટિરિયલ  ઈકો ફ્રેન્ડલી પણ છે.કારણકે તેને બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા ચારે પ્રકારના કમ્પાઉન્ડ પર્યાવરણને હાની પહોંચાડતા નથી. 

--એક લીટર પાણી માટે માત્ર અડધો ગ્રામ નેનો મટિરિયલની જરુર પડે છે અને આ મટિરિયલને સાત વખત પાણી શુધ્ધ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે.

--અન્ય પ્રકારની ડાઈ પર પણ આ નેનો મટિરિયલ અસરકારક છે કે કેમ તેના પર અમારુ સંશોધન ચાલુ છે અને તેમાં પણ સફળતા મળે તેવી શક્યતાઓ ઘણી વધારે છે.

--નેનો મટિરિયલ પાણીને શુધ્ધ કરવામાં માત્ર ત્રણ મિનિટનો સમય લે છે.




Google NewsGoogle News