MSUની કોમર્સ ફેકલ્ટીમાં પૂરક પરીક્ષા પાસ કરનારાને પ્રવેશ ના અપાય તો ભૂખ હડતાળની ચીમકી, હેડ ઓફિસ પર દેખાવો
Vadodara M S University : એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ધો.12ની પૂરક પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓેને એફવાયમાં પ્રવેશ નહીં આપવાના તાનાશાહી ભર્યા નિર્ણય સામે આજે વિદ્યાર્થીઓનો મોરચો હેડ ઓફિસ ખાતે પહોંચ્યો હતો.
એનએસયુઆઈ દ્વારા હેડ ઓફિસ ખાતે પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને સાથે રાખીને દાખાવો પણ કરવામાં આવ્યા હતા. પૂર્વ એફઆર નિખિલ સોલંકીએ કહ્યું હતું કે, ફેકલ્ટી ડીન કહે છે કે, પ્રવેશ નહીં આપવાનો નિર્ણય યુનિવર્સિટી સત્તાધીશોનો છે અને આજે જ્યારે અમે રજૂઆત કરવા માટે આવ્યા ત્યારે ઓએસડી(પીઆરઓ)એ કહ્યું હતું કે, ડીને આવુ કહ્યું હોય તો અમારી પાસે એવી કોઈ જાણકારી નથી. આમ હવે ફેકલ્ટી ડીન અને યુનિવર્સિટી સત્તાધીશો એક બીજાને ખો આપી રહ્યા છે અને પહેલી વખત એવુ બન્યું છે કે, પૂરક પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓ પ્રવેશ વગર રઝળી પડયા છે.
વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ અને વાલીઓની વેદનાથી જાડી ચામડીના સત્તાધીશોને કોઈ ફરક પડતો નથી પરંતુ અમે જ્યાં સુધી પ્રવેશ નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું. મંગળવાર સુધીમાં યુનિવર્સિટી દ્વારા નિર્ણય નહીં લેવાય તો અમે ભૂખ હડતાળ પર ઉતરીશું.