યુનિ.માં સતત બીજા વર્ષે ડાયરીનું પ્રિન્ટિંગ ના કરાયું
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ સતત બીજા વર્ષે પણ ડાયરી છાપવાનુ માંડી વાળ્યુ છે.યુનિવર્સિટીની ડાયરી હવે ભૂતકાળ બની ચૂકી છે તેવુ ઘણાનુ માનવુ છે.
કોર્પોરેશન, જિલ્લા પંચાયત જેવા સરકારી વિભાગોની જેમ એમ.એસ.યુનિવર્સિટી પણ વર્ષોથી ડાયરી છાપતી હતી અને યુનિવર્સિટીના સ્ટાફને તેનુ વિતરણ કરવામાં આવતુ હતુ.
જોકે બે વર્ષ પહેલા યુનિવર્સિટીની ડાયરીમાં વાઈસ ચાન્સેલર પ્રો.શ્રીવાસ્તવના સંખ્યાબંધ ફોટોગ્રાફ છાપવાને લઈને તેમજ રાષ્ટ્રગીતને લઈને વિવાદ સર્જાયો હતો.જેમાં સિન્ડિકેટ સભ્યોએ ભારે માછલા ધોયા હતા.જેના પગલે છપાવાના આરે આવેલી ડાયરીની પ્રિન્ટિંગ રોકી દેવાયુ હતુ અને ડાયરી યુનિવર્સિટીના પ્રેસમાંથી બહાર આવી નહોતી.
એ પછી સતત બીજા વર્ષે ડાયરીનુ પ્રિન્ટિંગ કરવામાં આવ્યુ નથી.આ વર્ષે પણ માત્ર કેલેન્ડર જ પ્રિન્ટ કરવામાં આવ્યા છે અને તે પણ મર્યાદિત સંખ્યામાં.યુનિવર્સિટી સત્તાધીશોનુ કહેવુ છે કે, ડાયરી પ્રિન્ટ કરવાની જરુર નથી.કેલેન્ડર પર ક્યૂઆર કોડ આપેલો છે અને તે સ્કેન કરીને ડિજિટલ કોપી મળી શકે છે.એક અધ્યાપકે જોકે કહ્યુ હતુ કે, સ્કેન કર્યા બાદ ડિજિટલ ડાયરી ખોલવામાં તકલીફ પડી રહી છે.તેના કરતા મર્યાદિત સંખ્યામાં ડાયરીનુ પ્રિન્ટિંગ કરીને ડાયરી આપવાની પ્રથા ચાલુ રાખવાની જરુર છે.જોકે યુનિવર્સિટી સત્તાધીશોને કોમન એકટ લાગુ થયા બાદ ગમે તે નિર્ણયો કોઈને પણ પૂછયા વગર લેવાની છુટ મળી ગઈ હોવાથી આગામી વર્ષે પણ ડાયરી પ્રિન્ટ કરવામાં આવે તેવી શક્યતા નથી.