Get The App

એમ.એસ.યુનિ.ને ફાયર વિભાગે બે વખત ફાયર સેફટી માટે નોટિસ ફટકારી હતી

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
એમ.એસ.યુનિ.ને ફાયર વિભાગે બે વખત ફાયર સેફટી માટે નોટિસ ફટકારી હતી 1 - image

વડોદરાઃ રાજકોટના ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડના પગલે વડોદરામાં ફાયર બ્રિગેેડે ફાયર સેફટી માટે શરુ કરેલી ઝુંબેશના કારણે એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોની ઘોર બેદરકારી સામે આવી છે.

એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીનુ વીજ જોડાણ  તો ફાયર  બ્રિગેડે ફાયર સેફટીના ધારાધોરણોનુ પાલન નહીં કર્યુ હોવાથી કાપી જ નાંખ્યુ છે પણ અન્ય ફેકલ્ટીઓના બિલ્ડિંગોના વીજ જોડાણો પણ ફાયર બ્રિગેડ કાપી નાંખે તેવી  શક્યતાઓ છે.કારણકે યુનિવર્સિટી સત્તાધીશોેેએ ફાયર સેફટીની સદંતર ઉપેક્ષા કરીને હજારો વિદ્યાર્થીઓના જીવ સાથે રમત કરી છે.

ફાયર બ્રિગેડના અધિકારી અમિત ચૌધરીએ ચોંકાવનારી જાણકારી આપતા કહ્યુ હતુ કે, ફાયર વિભાગ દ્વારા યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓ અને ઈન્સ્ટિટયુટસના ૩૨ બિલ્ડિંગોમાં ફાયર સેફટીના ધારાધોરણોનુ પાલન નહીં કરાયુ હોવાની નોટિસ યુનિવર્સિટી વાઈસ ચાન્સેલરને મોકલી હતી.તેનો યુનિવર્સિટી તરફથી કોઈ જવાબ મળ્યો નહીં હોવાથી એપ્રિલ મહિનામાં અમે બીજા નોટિસ ફટકારી હતી પણ યુનિવર્સિટીએ હજી સુધી ફાયર એનઓસી લેવા માટે કોઈ કાર્યવાહી નહીં કરી હોવાથી નાછૂટકે અમારે ગઈકાલે, ગુરુવારે ટેકનોલોજી  ફેકલ્ટીનુ વીજ જોડાણ કાપી નાંખવુ પડયુ હતુ.યુનિવર્સિટીએ ફાયર વિભાગને જવાબ સુધ્ધાં આપવાની તસદી લીધી નથી.

તેમણે કહ્યુ હતુ કે, આગામી દિવસોમાં પણ ફાયર બ્રિગેડની ટીમો પોતાની કાર્યવાહી ચાલુ રાખશે ત્યારે યુનિવર્સિટીની અન્ય ફેકલ્ટીઓના બિલ્ડિંગોના વીજ જોડાણ પણ કાપી નાંખવામાં આવશે.

બીજી તરફ આ મુદ્દે જાણકારી મેળવવા માટે  વારંવાર પ્રયત્ન કર્યા પછી પણ યુનિવર્સિટી એન્જિનિયર અને યુનિવર્સિટી રજિસ્ટ્રારનો સંપર્ક થઈ શક્યો નહોતો.

યુનિ.માં પ્રવેશ ની અને પરિણામ તૈયાર કરવાની કામગીરી ખોરંભે પડશે

વિદ્યાર્થીઓને ફાયર સેફટી નહીં આપનારા સત્તાધીશો શિક્ષણ મંત્રાલયે આપેલી સેફટીના કારણે નિરંકુશ અને બેફામ 

આત્મશ્લાઘામાં રાચતા યુનિવર્સિટી સત્તાધીશોને સરકારના શિક્ષણ વિભાગે જાણે અભય વચન આપ્યુ છે અને તેના કારણે સત્તાધીશો નિરંકુશ બની ગયા છે.યુનિવર્સિટી સત્તાધીશોની ફાયર એનઓસી લેવા માટે જરુરી કાર્યવાહી કરવાની ઘોર બેદરકારીના કારણે આગામી દિવસોમાં જો ફાયર બ્રિગેડે બીજી ફેકલ્ટીઓના વીજ જોડાણો કાપી નાંખ્યા તો યુનિવર્સિટીમાં ઉત્તરવહીઓની ચકાસણી, પરિણામ તૈયાર કરવાની કામગીરી તેમજ નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ આપવાની કામગીરી પણ ખોરવાઈ જશે.સાથે સાથે જૂન મહિનામાં શરુ થનારા નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી શકે છે.કારણકે ફાયર બ્રિગેડ વીજ જોડાણો કાપી નાંખવા માટે મક્કમ છે અને જ્યાં સુધી ફાયર સેફટીના ધારાધોરણોનુ પાલન ના કરવામાં આવે ત્યાં સુધી ફરી વીજ જોડાણ આપવામાં પણ નહીં આવે તે પણ નિશ્ચિત છે.

વીજ જોડાણ કપાતા રઘવાયા થયેલા વીસી મ્યુ.કમિશનરને મળવા દોડયા 

બે-બે વખત ફાયર વિભાગે નોટિસ આપ્યા પછી પણ ફાયર સેફટી માટે કોઈ કાર્યવાહી નહીંં કર્યા બાદ હવે જ્યારે ફાયર બ્રિગેડે ટેકનોલોજી ફેકલ્ટીનુ વીજ જોડાણ કાપી નાંખ્યુ છે ત્યારે સત્તાધીશો હાંફળા ફાંફળા બન્યા છે.આગામી દિવસોમાં ફાયર બ્રિગેડ બીજી ફેકલ્ટીઓના વીજ જોડાણો ના કાપે તે માટે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવ રઘવાયા થઈને આજે મ્યુનિસિપલ કમિશનરને મળવા માટે તેમના બંગલા પર દોડી ગયા હતા.બંને વચ્ચે બંધ બારણે બેઠક થઈ હતી અને એવુ મનાય છે કે, વાઈસ ચાન્સેલરે અન્ય ફેકલ્ટીઓમાં ફાયર બ્રિગેડ કાર્યવાહી ના કરે તે માટે કમિશનરને વિનંતી કરી છે.જોકે અત્યાર સુધી કોઈને આ પ્રકારની રાહત નથી મળી ત્યારે યુનિવર્સિટી સત્તાધીશોને ફાયર બ્રિગેડ ફાયર એનઓસી માટે કાર્યવાહી કરવા માટે સમય આપશે કે કેમ તે એક સવાલ છે.



Google NewsGoogle News