MSUને પૂરના કારણે કરોડોનું નુકસાન, સોમવાર પહેલા શિક્ષણકાર્ય શરૂ નહીં કરી શકાય, સાફ-સફાઈ શરૂ કરાઈ
Vadodara Flooding : વિશ્વામિત્રીના પૂરના કારણે એમ.એસ.યુનિવર્સિટીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. યુનિવર્સિટીમાં સોમવાર પહેલા શિક્ષણ કાર્ય શરૂ થઈ શકે તેવી સ્થિતિ નથી.
મળતી વિગતો પ્રમાણે કેમ્પસની વચ્ચેથી પસાર થતા ભૂખી કાંસના પાણીએ તેમજ વિશ્વામિત્રીના પૂરે કેમ્પસમાં તારાજી વેરી છે. એક પણ ફેકલ્ટી એવી નહોતી કે જ્યાં પૂરના પાણી ઘૂસ્યા ના હોય. જેના કારણે બેન્ચીસ, ફર્નિચર, સ્ટેશનરી, લેપટોપ, કોમ્પ્યુટરો પાણીમાં તરતા થઈ ગયા હતા. સાયન્સ ફેકલ્ટીમાં તો લેબોરેટરીમાં પણ પાણી ઘૂસી ગયા હતા. જેના કારણે તેમાં મૂકેલા મોંઘાદાટ કેમિકલ, ફ્રીઝ, ડીપ ફ્રીઝર, માઈક્રોસ્કોપ જેવા ઉપકરણો ખરાબ થઈ ગયા છે.
અન્ય ફેકલ્ટીઓમાં પણ સ્થિતિ સારી નથી. પૂરના પાણી ઉતર્યા બાદ યુનિવર્સિટીના સત્તાધીશોએ એક બેઠક બોલાવીને તમામ ડીન્સ પાસે નુકસાનની જાણકારી બે દિવસમાં આપવા માટે કહ્યું હતું.
બીજી તરફ ફેકલ્ટીઓમાં સાફ સફાઈ માટે સફાઈ કર્મચારીઓને ઉતારવામાં આવ્યા છે. ક્લાસરૂમથી માંડી અધ્યાપકોની અને ડીનની કેબિનોમાં કાદવના થર જામી ગયા હોવાથી પાણીના ટેન્કરો મંગાવીને, પાણી રેડીને સફાઈ કરવામાં આવી રહી છે. સફાઈમાં ફેકલ્ટીના અધ્યાપકો તથા બીન શૈક્ષણિક કર્મચારીઓ પણ જોડાયા છે. સાયન્સ જેવી કેટલીક ફેકલ્ટીઓમાં વિદ્યાર્થીઓ પણ સ્વૈચ્છિક રીતે સાફ સફાઈમાં મદદ કરી રહ્યાં છે.
યુનિવર્સિટીના સૂત્રોએ કહ્યું હતું કે, યુનિવર્સિટી કેમ્પસ ફરતેની દિવાલ પણ ઠેક ઠેકાણે પડી ગઈ છે. યુનિવર્સિટીને કરોડોનું નુકસાન થયું છે. નુકસાનના આંકડાનો અંદાજ મેળવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. વહેલામાં વહેલુ સોમવારથી જ શિક્ષણ કાર્ય શરૂ થઈ શકે તેવી સ્થિતિ છે. કારણકે સાફ સફાઈમાં ખાસો સમય જાય તેમ છે.