નવી શિક્ષણ નીતિ, એમ.એસ.યુનિ.માં અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષામાં ભણાવવું પડશે
વડોદરાઃ કેન્દ્ર સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર જાણીતા શિક્ષણવિદ અને શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના નેશનલ સેક્રેટરી અતુલ કોઠારીના એક વક્તવ્યનુ આયોજન એમ.એસ.યુનિવર્સિટીની મેનેજમેન્ટ ફેકલ્ટી દ્વારા કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે અતુલ કોઠારીએ વાતચીત દરમિયાન એક સવાલનો જવાબ આપતા કહ્યુ હતુ કે, નવી શિક્ષણ નીતિમાં માતૃભાષામાં અભ્યાસના વિકલ્પને મહત્વ આપવામાં આવ્યુ છે.કારણકે દુનિયાભરમાં થયેલા વૈજ્ઞાાનિક સંશોધન પૂરવાર કરી ચુકયા છે કે, બાળકને માતૃભાષામાં જ શિક્ષણ અપાવુ જોઈએ.જોકે આપણે ત્યાં અગ્રેજી માધ્યમમાં બાળકોને ભણાવવાનો વધતો જતો ટ્રેન્ડ ચિંતાજનક છે.આ બાબતે વાલીઓને જાગૃત કરવાની જરુર છે.મારી દ્રષ્ટિએ તો કેજીથી બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવુ તે અત્યાચાર સમાન છે.ઉલટાનુ માતૃભાષામાં ભણેલા વ્યક્તિઓ અંગ્રેજી પર અંગ્રેજી માધ્યમમાં ભણેલા લોકો કરવા વધારે સારી પકડ ધરાવતા હોય છે.મેડિકલ અને એન્જિનિયરિંગમાં પણ માતૃભાષામાં શિક્ષણ અપાવવાથી કશું નુકસાન થવાનુ નથી.તેની સાથે અંગ્રેજી ભાષાનો વિકલ્પ પણ વિદ્યાર્થીઓને મળવાનો જ છે.ઉલટાનુ માતૃભાષામાં ભણેલા ડોકટર કે એન્જિનિયર લોકોને વધારે સારી રીતે તેની સમસ્યાઓ સમજાવી શકશે.
તેમણે કહ્યુ હતુ કે, એમ.એસ.યુનિવર્સિટી ભલે અંગ્રેજી માધ્યમમાં જ શિક્ષણ આપતી હોય પણ નવી શિક્ષણ નીતિ લાગુ કરવા માટે યુનિવર્સિટીએ પણ હવે વિદ્યાર્થીઓને અંગ્રેજીની સાથે ગુજરાતી માધ્યમમાં શિક્ષણનો વિકલ્પ આપવો પડશે.અતુલ કોઠારીનુ કહેવુ હતુ કે, પહેલી વખત ભારતીય સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને કોઈ સરકારે શિક્ષણ નીતિ ઘડવામાં આવી છે.જે રીતે આર્થિક નીતિમાં પછાત વિસ્તારને ધ્યાનમાં રાખીને એસઈઝેડ બનાવવામાં આવ્યા હતા તે જ રીતે નવી શિક્ષણ નીતિમાં પછાત વિસ્તારોને ખાસ ધ્યાનમાં લેવામાં આવ્યા છે.