MSUમાં પૂરથી થયેલા ૨૦ કરોડના નુકસાન બાદ હજી સરકારની સહાય મળી નથી
વડોદરાઃ વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરને બે મહિના થઈ ગયા છે.હજી પણ ઘણા લોકો સરકારની કેશડોલ નહીં મળી હોવાની બૂમો પાડી રહ્યા છે. એમ.એસ.યુનિવર્સિટીની પણ આવી જ હાલત છે.
પૂરના કારણે એમ.એસ.યુનિવર્સિટીને ભારે નુકસાન થયું હતું.એમ.એસ.યુનિવર્સિટીમાંથી ભૂખી કાંસ પસાર થાય છે અને વિશ્વામિત્રી પણ નજીક છે.જેના કારણે યુનિવર્સિટીની સંખ્યાબંધ ફેકલ્ટીઓને અસર થઈ હતી.કુલ મળીને ૨૦ કરોડ રુપિયાનું નુકસાન થયું હતું.જેમાં આઠેક કરોડ રુપિયાનો ફટકો તો સાયન્સ ફેકલ્ટીને જ પડયો હતો.આ ઉપરાંત સેંકડો કોમ્પ્યુટરો પૂરના પાણીના કારણે વપરાય તેવા રહ્યા નહોતા.સંખ્યાબંધ જગ્યાએ કમ્પાઉન્ડ વોલ પડી ગઈ હતી.
યુનિવર્સિટીને કુલ મળીને ૨૦ કરોડ રુપિયાનું નુકસાન થયું હતું.દરેક ફેકલ્ટી પાસેથી પૂરના કારણે થયેલા નુકસાનની જાણકારી મંગાવવામાં આવી હતી.જેનો અહેવાલ પૂર બાદ રજિસ્ટ્રાર દ્વારા સરકારને મોકલવી આપવામાં આવ્યો હતો.જોકે હજી સુધી સરકાર દ્વારા યુનિવર્સિટીને સહાયની કોઈ હિલચાલ થઈ નથી.
સૂત્રોનું કહેવું છે કે, યુનિવર્સિટી પહેલેથી જ નાણાભીડનો સામનો કરી રહી છે અને સરકાર સહાય નહીં કરે તો ૨૦ કરોડ રુપિયાનું નુકસાન યુનિવર્સિટીને જાતે સહન કરવું પડશે.યુનિવર્સિટી સત્તાધીશો સરકાર સહાય આપે તેની રાહ જોયા વગર જાતે આ સહાય માટે સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરે તે જરુરી છે.આ અંગે સત્તાવાર જાણકારી માટે રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાનો સંપર્ક થઈ શક્યો નહોતો.