આંદોલનને હવે પોલીસની મદદથી કચડવાનો યુનિ.સત્તાધીશોનો પ્રયાસ
વડોદરાઃ ભાજપ સરકારના પીઠબળના સહારે એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ વડોદરાના વિદ્યાર્થીઓની અનામત બેઠકો ઘટાડવાનો તખ્તો ઘડી કાઢયો છે એટલુ જ નહીં હવે આ નિર્ણયની સામે થઈ રહેલા વિરોધને દબાવવા માટે સત્તાધીશોએ પોલીસનો સહારો લેવા માંડયો છે.
વડોદરાની અનામત બેઠકો ૭૦ ટકાથી ઘટાડીને ૫૦ ટકા કરવાના નિર્ણય સામે રજૂઆત કરવા માટે ગયેલા વિદ્યાર્થી સંગઠન ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનના વિદ્યાર્થીઓને સત્તાધીશોએ પાંચ કલાક બેસાડી રાખ્યા હતા અને એ પછી પણ વાઈસ ચાન્સેલર કે રજિસ્ટ્રારે તેમને સાંભળવાની તસદી લીધી નહોતી.ઉલટાનુ સત્તાધીશોએ પોલીસ બોલાવી લીધી હતી.વિદ્યાર્થીઓ અન્ પોલીસ કાફલા વચ્ચે આમને સામને દલીલો પણ થઈ હતી.
એજીએસયુના વિદ્યાર્થીઓએ કહ્યુ હતુ કે, અમે તો શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવા માટે ગયા હતા.અમે હેડ ઓફિસના વેઈટિંગ રુમમાં રાહ જોઈને બેઠા હતા ત્યારે રજિસ્ટ્રાર કે વાઈસ ચાન્સેલર તો નહોતા આવ્યા પણ સયાજીગંજ પોલીસના કાફલાની એન્ટ્રી પડી હતી.તેમણે પહેલા તો અમને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી હતી અને બાદમાં અમારા આઈ કાર્ડ ચેક કર્યા હતા.
વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે, યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ રજૂઆત કરવા જાય ત્યારે સત્તાધીશો પોલીસ બોલાવી લે છે. પોલીસ પણ કેમ શાંતિપૂર્ણ રજૂઆત કરવા માંગતા વિદ્યાર્થીઓનુ સમર્થન કરવાની જગ્યાએ સત્તાધીશોની તરફેણ કરે છે તે સમજાતુ નથી.
અનામત ઘટાડવા અને આઉટસોર્સિંગ સામે પૂર્વ સેનેટ સભ્યની રજૂઆત
યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય પણ સ્થાનિક વિદ્યાર્થીઓની તરફેણમાં રજૂઆત કરવા માટે યુનિવર્સિટી હેડ ઓફિસ પહોંચ્યા હતા.ટ્રેડ યુનિયન સાથે સંકળાયેલા પૂર્વ સેનેટ સભ્ય ગજેન્દ્ર ભટ્ટે કહ્યુ હતુ કે, સ્થાનિક વિદ્યાર્થીઓની અનામત બેઠકો ઘટાડીને સત્તાધીશો વડોદરાના વિદ્યાર્થીઓને અન્યાય કરી રહ્યા છે.સાથે સાથે યુનિવર્સિટીમાં હંગામી કર્મચારીઓની આઉટ સોર્સિંગથી ભરતી કરવા પર રોક લગાવવામાં આવે તેમજ યુનિવર્સિટીમાં ફાયર સેફટીની વ્યવસ્થા કરવામાં આવે.