MSUના 80 વિદેશી વિદ્યાર્થીઓ અલગ અલગ જગ્યાએ ગરબાની મજા માણી રહ્યા છે

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
MSUના 80  વિદેશી વિદ્યાર્થીઓ અલગ અલગ જગ્યાએ ગરબાની મજા માણી રહ્યા છે 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓને પણ હાલમાં ચાલી રહેલા નવરાત્રિ પર્વના કારણે ગરબાનો રંગ લાગ્યો છે.લગભગ ૮૦ જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અલગ અલગ જગ્યાએ ગરબા રમી રહ્યા છે.

મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટીમાં હાલમાં ૫૦૦ જેટલા વિદેશી  વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.ગરબા ગુજરાતની સંસ્કૃતિનુ પ્રતિક છે અને વિદેશી વિદ્યાર્થીઓ પણ ગરબે ઘૂમે તે માટે યુનિવર્સિટીની ઓફિસ ઓફ ઈન્ટરનેશનલ અફેર્સ દ્વારા આ વખતે વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા છે.

યુનિવર્સિટીમાં ભણતા  વિદેશી વિદ્યાર્થીઓને ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં ગરબા રમવાની છુટ આપવામાં આવી છે.સાથે સાથે તેમને જો બીજા કોઈ ગરબામાં જવુ હોય અને ત્યાં રમવા માટે પાસની જરુર હોય તો તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

મોટાભાગના વિદેશી વિદ્યાર્થીઓને તેમની સાથે ભણતા સ્થાનિક વિદ્યાર્થીઓ અલગ અલગ જગ્યાએ પોતાની સાથે ગરબામાં લઈ જઈ રહ્યા છે.જેમાં નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન  તેમજ વિવિધ આફ્રિકન દેશોના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.આ વિદ્યાર્થીઓ ગરબાની ઝાકઝમાળ જોઈને આભા બની ગયા છે.તેમનુ કહેવુ છે કે,  જ્યાં સુધી વડોદરામાં રહીશું ત્યાં સુધી દર વર્ષે નવરાત્રિમાં ગરબા રમીશું.ઓફિસ ઓફ ઈન્ટરનેશનલ અફેર્સના ડાયરેકટર પ્રો.ધનેશ પટેલનુ કહેવુ છે કે, યુનિવર્સિટીમાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં છેલ્લા ચારેક વર્ષમાં ઘણો વધારો થયો હોવાથી હવે અમે વિદેશી   વિદ્યાર્થીઓ તમામ મોટા તહેવારો ઉજવે અને ભારતીય સંસ્કૃતિથી પરિચિત થાય તેવા  પ્રયાસો કરીએ છે.આગામી દિવાળી પર્વની પણ વિદેશી  વિદ્યાર્થીઓ સાથે ઉજવણી કરવા માટેનુ આયોજન ચાલી રહ્યુ છે.



Google NewsGoogle News