લોકપાલની નિમણૂક નહીં થતા યુજીસીએ એમ.એસ.યુનિ.ને ડિફોલ્ટર જાહેર કરી
વડોદરાઃ લોકપાલની નિમણૂંક કરવાના યુજીસીના આદેશ પછી પણ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ કોઈ કાર્યવાહી નહીં કરી હોવાથી યુજીસીએ એમ.એસ.યુનિવર્સિટીને ડિફોલ્ટર જાહેર કરી છે.
કોમન એકટ લાગુ થયા બાદ કોઈ જવાબ માંગનાર નહીં રહ્યુ હોવાના કારણે બેફામ તેમજ નિરંકુશ બની ગયેલા યુનિવર્સિટી સત્તાધીશોના પાપે યુનિવર્સિટીને આજે ડિફોલ્ટરનુ શરમજનક લેબલ લાગ્યુ છે.
મળતી વિગતો પ્રમાણે યુજીસીએ ૨૦૨૩માં વિદ્યાર્થીઓની સમસ્યાઓ સાંભળવા માટે અને તેનો ઉકેલ લાવવા માટે યુનિવર્સિટીઓને લોકપાલની નિમણૂંક કરવાનો આદેશ આપ્યો હતો.
માર્ચ મહિનામાં યુજીસીએ લોકપાલની નિમણૂંક નહીં કરનાર ૬૭ ખાનગી અને ૧૫૯ સરકારી યુનિવર્સિટીઓની યાદી જાહેર કરી હતી.આ યાદીમાં પણ એમ.એસ.યુનિવર્સિટીનો સમાવેશ થયો હતો.
માર્ચ મહિના બાદ પણ વાઈસ ચાન્સેલરે લોકપાલની નિમણૂંક કરવા માટે કોઈ કાર્યવાહી કરી નથી.જેના કારણે આજે યુજીસીએ ડિફોલ્ટર જાહેર કરેલી દેશની યુનિવર્સિટીઓમાં ગુજરાતની ચાર સરકારી અને ૬ ખાનગી યુનિવર્સિટીઓ છે અને તેમાં એમ.એસ.યુનિવર્સિટીનો સમાવેશ થયો છે.