તા.22મીએ MSUમાં પણ બપોરે 2-30 સુધી રજા, સવારની પાળીની સ્કૂલો બંધ રહે તેવી શક્યતા
વડોદરાઃ તા.૨૨ જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં રાખીને સરકારે તમામ સરકારી કચેરીઓ અને બીજી સંસ્થાઓમાં બપોરના ૨-૩૦ વાગ્યા સુધી રજાની જાહેરાત કરી છે ત્યારે એમ.એસ.યુનિવર્સિટીમાં પણ તમામ ફેકલ્ટીઓ બપોરના ૨-૩૦ વાગ્યા સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે.
જેના પગલે યુનિવર્સિટીની જે પણ ફેકલ્ટીઓમાં એટીકેટીની અને બીજી પરીક્ષા ચાલે છે તેનો સમય પણ બદલવામાં આવશે.કોમર્સ ફેકલ્ટીમાં એફવાયની ઈન્ટરનલ પરીક્ષા ચાલી રહી છે.જોકે યુનિવર્સિટીના નિર્ણયના પગલે એફવાયબીકોમની ૨૨ જાન્યુઆરીએ લેવાનારી પરીક્ષા હવે ૨૫ જાન્યુઆરીએ લેવામાં આવશે.
તા.૨૨ જાન્યુઆરીએ યુનિવર્સિટીમાં સંસ્કૃત મહાવિદ્યાલયમાં સવારે ૮ વાગ્યે રામયાગનુ આયોજન કરાયુ છે. યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતેથી સવારે નવ વાગ્યાથી શોભાયાત્રા નિકળશે અને સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે પહોંચશે.સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે સાંજે ચાર વાગ્યે સુંદરકાંડના પાઠ પણ યોજાશે.આ કાર્યક્રમોમાં ચાન્સેલર શુભાંગીનીરાજે ગાયકવાડ અને વાઈસ ચાન્સેલર ડો.વિજય કુમાર શ્રીવાસ્તવ હજાર રહેશે.
શહેરમાં સવારની પાળીની મોટાભાગની સ્કૂલોમાં રજા રહે તેવી શક્યતા
તા.૨૨ જાન્યુઆરીએ રાજ્ય સરકારે બપોરે ૨-૩૦ સુધી જાહેર કરેલી રજાના પગલે સવારની પાળીમાં ચાલતી શહેરની મોટાભાગની સ્કૂલો પણ રજા જાહેર કરે તેવી શક્યતા છે.કારણકે સવારની પાળીની સ્કૂલો તો એમ પણ બપોરના એક વાગ્યા સુધીમાં છૂટી જતી હોય છે.જ્યારે બપોરની પાળીની પણ ઘણી સ્કૂલો પૂરી રજા રાખે તેવી સંભાવના છે.કારણકે બપોરે ૨-૩૦ વાગ્યા બાદ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરી પાંખી રહે તેવુ બની શકે છે.ડીઈઓ રાકેશ વ્યાસે કહ્યુ હતુ કે, બપોરે ૨-૩૦ સુધી રજા રાખવાના સરકારનો નિર્ણય સ્કૂલો પર પણ લાગુ પડશે.
રામાયણની હસ્તપ્રતોનુ જાહેર જનતા માટે પ્રદર્શન
ઓરિએન્ટલ ઈન્સ્ટિયુટમાં રામાયણ સાથે સંકળાયેલી વિવિધ હસ્તપ્રતો સચવાયેલી છે.આ હસ્તપ્રતોનુ જાહેરજનતા માટે પ્રદર્શન યોજાશે.તા.૨૨મીએ સાંજે પાંચ વાગ્યે આ પ્રદર્શનને ખુલ્લુ મુકવામાં આવશે.લોકો ૨૪ જાન્યુઆરી સુધી સવારના ચાર થી ૬ દરમિયાન પ્રદર્શન નિહાળી શકશે.