ગ્રાઉન્ડના અભાવે યુનિ.ની ક્રિકેટ ટીમની પસંદગી ઘોંચમાં પડી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીનું ડી એન હોલ ક્રિકેટ ગ્રાઉન્ડ જાળવણીના અભાવે જંગલમાં ફેરવાઈ રહ્યું છે ત્યારે યુનિવર્સિટીની ક્રિકેટ ટીમની પસંદગી પણ ક્રિકેટ મેદાનના અભાવે પાછી ઠેલાઈ રહી છે.
યુનિવર્સિટી વર્તુળોમાં ચર્ચા છે કે, સામાન્ય રીતે દર વર્ષે આ સમયગાળામાં ક્રિકેટ ટીમની પસંદગી થઈ જતી હોય છે.જેથી ઈન્ટર યુનિવર્સિટી ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ખેલાડીઓને પ્રેક્ટિસનો સમય મળે.જોકે બરોડા ક્રિકેટ એસોસિએશન સાથે એમઓયુ નહીં કરવાના યુનિવર્સિટી સત્તાધીશોના જક્કી વલણના કારણે અત્યારે ડી એન હોલ ક્રિકેટ ગ્રાઉન્ડ જાળવણીના અભાવે ખસ્તા હાલ છે.આ મેદાનની તેમજ તેની નજીકની પ્રેક્ટિસ પીચ પણ હવે રમવા લાયક રહી નથી.
આમ ક્રિકેટ ટીમની પસંદગી ક્યાં કરવી તે એક સમસ્યા છે.સદનસીબે હજી ઈન્ટર યુનિવર્સિટી ક્રિકેટ ટુર્નામેન્ટની તારીખો જાહેર નથી થઈ પરંતુ ગમે ત્યારે પણ પસંદગી પ્રક્રિયા તો હાથ ધરવી જ પડશે અને તે વખતે યુનિવર્સિટી સત્તાધીશો મેદાન ક્યાંથી લાવશે તે એક સવાલ છે.
પહેલા એમઓયુ થતું હતું ત્યારે બીસીએ દ્વારા મેદાનની જાળવણી કરાતી હતી અને યુનિવર્સિટીની ટીમને તમામ પ્રકારની સુવિધાઓ પણ પૂરી પડાતી હતી.વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવ અને રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાએ એમઓયુ નહીં કરવાનો નિર્ણય લઈને પોતાના જ પગ પર કુહાડો માર્યો છે.કારણકે યુનિવર્સિટી પાસે તો મેદાનની જાળવણી કરવાની કોઈ ક્ષમતા જ નથી.યુનિવર્સિટી હેડ ઓફિસમાં વાઈસ ચાન્સેલર અને રજિસ્ટ્રારની સુવિધાઓ સાચવવા સિવાય કેમ્પસમાં અન્ય કોઈ બાબત પર ધ્યાન અપાઈ રહ્યું નથી.
ક્રિકેટ ટીમની પસંદગી અંગે વધારે જાણકારી મેળવવા માટે ફિઝિકલ એજ્યુકેશન વિભાગના સત્તાધીશોનો સંપર્ક થઈ શક્યો નહોતો.