એમ.એસ.યુનિ.નો પદવીદાન સમારોહ દિવાળી વેકેશનમાં યોજવાની તૈયારીઓ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીનો ૭૩મો પદવીદાન સમારોહ દિવાળી વેકેશનમાં જ યોજાય તેવી શક્યતાઓ છે.યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કોન્વોકેશન ગ્રાઉન્ડમાં શમિયાણો ઉભો કરવાની કાર્યવાહી પણ શરુ કરી દેવામાં આવી છે.
પદવીદાન સમારોહની તારીખ અને દિક્ષાંત પ્રવચન આપનારા મુખ્ય અતિથિનું નામ તો હજી સુધી સત્તાધીશોએ જાહેર કર્યું નથી પણ યુનિવર્સિટી વર્તુળોમાં ચર્ચાતી વિગતો પ્રમાણે તા.૧૪ નવેમ્બર કે તેની આસપાસ આ પદવીદાન સમારોહ યોજાઈ શકે છે.પદવીદાન સમારોહમાં એક રાજ્યના ગર્વનર હાજરી આપે તેવી પણ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. મુખ્ય અતિથિની ઉપસ્થિત રહેવાની અનુકુળતાને ધ્યાનમાં રાખીને સમારોહ દિવાળી વેકેશનમાં પણ યોજવો પડે તે બાબતને ધ્યાનમાં રાખીને સમારોહના આયોજનની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.જો આવુ થયું તો યુનિવર્સિટીના ઈતિહાસમાં પહેલી વખત વેકેશનમાં પદવીદાન સમારોહ યોજાશે.
બીજી તરફ યુનિવર્સિટીના અધ્યાપકોને એ વાતની ચિંતા છે કે, જો વેકેશનમાં સમારોહ યોજાયો તો રજાઓમાં પણ તૈયારી કરવાનો વારો આવશે. જ્યારે વિદ્યાર્થીઓને પણ વેકેશનમાં ડિગ્રી લેવા માટે આવવું પડશે.બહારગામ ગયેલા અથવા બહારગામના વિદ્યાર્થીઓ હાજર નહીં રહી શકે.યુનિવર્સિટી દ્વારા ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓનું ફાઈનલ લિસ્ટ પણ વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે.
સમારોહની તારીખ અને મુખ્ય અતિથિની જાણકારી અંગે યુનિવર્સિટી રજિસ્ટ્રારનો વારંવાર પ્રયત્નો પછી પણ સંપર્ક થઈ શક્યો નહોતો.
સર્ચ કમિટિના પહેલા સભ્ય તરીકે નીરીના ડાયરેકટરની નિમણૂક
એમ.એસ.યુનિવર્સિટીના આગામી વાઈસ ચાન્સેલરની પસંદગી માટે બનેલી સર્ચ કમિટિના પહેલા સભ્યનું નામ સામે આવ્યું છે.યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના પ્રતિનિધિ તરીકે નાગપુરની સંસ્થા નીરી( નેશનલ એન્વાર્યમેન્ટ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટયુટ)ના ડાયરેકટર ડો.અતુલ નારાયણ વૈદ્યની નિમણૂક કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.આ નિમણૂકમાં વડોદરાના આરએસએસના એક આગેવાને પણ ભાગ ભજવ્યો હોવાની યુનિવર્સિટી મોરચે ચર્ચા છે.જોકે સભ્યના નામ અંગેની સત્તાવાર જાણકારી માટે યુનિવર્સિટી રજિસ્ટ્રારન સંપર્ક થઈ શક્યો નહોતો.