વાઈસ ચાન્સેલર ગૂમ , MSUમાં દીવાલો પર ઠેર ઠેર પોસ્ટરો લાગતા તંત્ર દોડતુ થયુ
વડોદરા,તા.09 માર્ચ 2023,ગુરૂવાર
એમ.એસ.યુનિવર્સિટીમાં રાતોરાત વાઈસ ચાન્સેલર ગૂમ છે તેવા પોસ્ટરો લાગતા જ યુનિવર્સિટીની સિક્યુરિટી અને વિજિલન્સ દોડતી થઈ ગઈ હતી.
વાઈસ ચાન્સેલર પ્રો.વિજયકુમાર શ્રીવાસ્તવની કાર્યપધ્ધતિ સામે યુનિવર્સિટીમાં સિન્ડિકેટ, અધ્યાપક આલમ, વિદ્યાર્થી આલમ, કર્મચારીઓ એમ તમામ મોરચે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાઈસ ચાન્સેલરને હવે સરકાર હટાવે તેવી પણ માંગણી ઉઠી રહી છે.
દરમિયાન આજે યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીન દીવાલો પર વીસી ગૂમ હોવાના પોસ્ટરો લાગ્યા હતા. તેમાં લખવામાં આવ્યુ હતુ કે, વાઈસ ચાન્સેલર પદવીદાન સમારોહની તારીખ જણાવવાની તકલીફ ઉઠાવે, ગયા વર્ષે વિદ્યાર્થીઓને ડિગ્રીની સાથે ફોલ્ડર અને સ્કાર્ફ આપવામાં આવ્યા નથી. તે આપવા માટે અને 30000 વિદ્યાર્થીઓને માર્કશીટ આપવાની તકલીફ ઉઠાવે.
પોસ્ટર પર લખવામાં આવ્યુ હતુ કે, અમે મહારાજા સયાજીરાવ દ્વારા શિક્ષા માટે દાનમાં અપાયેલી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે.
આ પોસ્ટરો લાગતા જ તંત્ર દ્વારા યુનિવર્સિટીની વિજિલન્સને દીવાલો પરથી પોસ્ટરો હટાવવાના આદેશ આપવામાં આવ્યા હતા. વિજિલન્સના સભ્યોએ પોસ્ટરો હટાવવા માટે દોડધામ કરી હતી. જોકે સેંકડોની સંખ્યામાં પોસ્ટરો લગાવાયા હોવાથી સિક્યુરિટી પણ પોસ્ટરો દુર કરતા થાકી ગઈ હતી.
જોત જોતામાં પોસ્ટરોના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થવા માંડ્યા હતા.