સ્થાનિક વિદ્યાર્થીઓની અનામત મુદ્દે દેખાવો કરનારા વિદ્યાર્થીઓ સામે પોલીસમાં અરજી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની અનામત બેઠકો ઓછી કરી દેવાના નિર્ણય સામે ગઈકાલે, બુધવારે રજૂઆત કરવા ગયેલા એનએસયુઆઈના કાર્યકરો સામે યુનિવર્સિટીના સિક્યુરિટી ઓફિસરે સયાજીગંજ પોલીસ મથકમાં અરજી આપીને વિદ્યાર્થીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.યુનિવર્સિટી સત્તાધીશો એક તરફ અનામત બેઠકોના મુદ્દે ગોળગોળ જવાબો આપી રહ્યા છે, વિદ્યાર્થીઓને મળવાનુ ટાળી રહ્યા છે અને બીજી તરફ વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સિક્યુરિટી ઓફિસરે અરજીમાં એનએસયુઆઈના સુઝાન લાડમેન, ક્રિષ્ણા જોષી સહિતના કેટલાક વિદ્યાર્થીઓનો ઉલ્લેખ કરીને કહ્યુ છે કે, બુધવારે રજૂઆત કરવા આવેલા ટોળાએ વિદ્યાર્થીઓએ બીજા માળેથી યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે આવેલા ઈન્ટરનલ ક્વોલિટી એસ્યોરન્સ સેલના રેકોર્ડ રુમમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો.તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
જોકે પોલીસ કાર્યવાહીને વડોદરાના મોટાભાગના લોકો વિદ્યાર્થીઓનો અવાજ દબાવી દેવાના પ્રયાસ તરીકે જ જોઈ રહ્યા છે અને સત્તાધીશો પર ફિટકાર વરસાવી રહ્યા છે.કેટલાકનુ કહેવુ છે કે, કોમન એકટ આવ્યા બાદ યુનિવર્સિટીમાં હવે અઘોષિત ઈમરજન્સી જેવો માહોલ થઈ ગયો છે.એનએસયુઆઈએ કહ્યુ હતુ કે, ભલે સત્તાધીશો પોલીસ કાર્યવાહી કરે પણ અમે વિદ્યાર્થીઓના હિતમાં લડત આપવાનુ ચાલુ રાખીશું.
વિદ્યાર્થીઓને રજૂઆત કરવા માટે હેડ ઓફિસના પ્રાંગણમાં પણ એન્ટ્રી નહીં
૫૦૦૦૦ વિદ્યાર્થીઓની યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને જ પોતાની સમસ્યાને ઉજાગર કરવાનો જાણે અધિકાર નથી રહ્યો. વિદ્યાર્થીઓ પહેલા યુનિવર્સિટીના રજિસ્ટ્રારની અને વાઈસ ચાન્સેલરની ઓફિસ સુધી જઈ શકતા હતા.એ પછી તેમને હેડ ઓફિસના ગેટની બહાર જ રોકવાનુ શરુ કરાયુ હતુ અને હવે તેમને યુનિવર્સિટીના પ્રાંગણમાં પણ આવવાની પરવાનગી નથી.સિક્યુરિટી તેમને કમ્પાઉન્ડના ગેટ પાસે જ રોકી દે છે.આ પ્રકારનો નિયમ પણ મનસ્વી રીતે જ બનાવવામાં આવ્યો છે.યુનિવર્સિટી વિદ્યાર્થીઓ માટે નહીં પણ મુઠ્ઠીભર લોકોના અહમને સંતોષવા માટે ચાલી રહી છે.યુનિવર્સિટી સત્તાધીશોએ વડોદરાના વિદ્યાર્થીઓને અન્યાય કરવાનો કોન્ટ્રાક્ટ લીધો હોય તેમ લાગે છે.ગત વર્ષે એફવાયબીકોમની હજારો બેઠકો રાતોરાત ઘટાડી દેવાઈ હતી અને હવે વડોદરાના વિદ્યાર્થીઓની અનામત ખૂંચવી લેવામાં આવી છે.
એબીવીપી સામે કાર્યવાહી કરતા સત્તાધીશો ડરે છે
એનએસયુઆઈએ કહ્યુ હતુ કે, બે દિવસ પહેલા એબીવીપીના કાર્યકરોએ પણ હંગામો કર્યો હતો અને યુનિવર્સિટીનો કમ્પાઉન્ડનો ગેટ કૂદીને તેઓ અંદર પ્રવેશ્યા હતા.આમ છતા એબીવીપી સામે કોઈ અરજી આપવામાં આવી નથી.એબીવીપી ભાજપની વિદ્યાર્થી પાંખ હોવાથી સિક્યુરિટી અને સત્તાધીશોને તેમની સામે કાર્યવાહી કરતા ડર લાગે છે આમ સત્તાધીશોના બેવડા ધારાધોરણો પણ ખુલ્લા પડયા છે.