કોમર્સમાં એફવાયના એડમિશનના મુદ્દે વીસીએ ચાન્સેલરના કોર્ટમાં બોલ ફેંક્યો
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં કરાવી શકવાના કારણે એફવાયમાં પ્રવેશથી વંચિત સેંકડો વિદ્યાર્થીઓના મુદ્દે આજે કોમર્સ ફેકલ્ટીના રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીના સેનેટ સભ્ય અને એનએસયુઆઈ પ્રમુખે આજે યેન કેન પ્રકારે વાઈસ ચાન્સેલર સાથે મુલાકાત કરવામાં સફળતા મેળવી હતી.
ગુરુવારે એપોઈન્ટ આપ્યા પછી પણ નહીં મળનારા વાઈસ ચાન્સેલર પ્રો.શ્રીવાસ્તવને આજે સેનેટ સભ્ય અને એનએસયુઆઈ પ્રમુખને મળવાની ફરજ પડી હતી. સેનેટ સભ્ય અને એનએસયુઆઈ પ્રમુખે કહ્યુ હતુ કે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનના અભાવે પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તે માટે વધુ એક તક આપવાની જગ્યાએ પ્રો.શ્રીવાસ્તવે આશ્ચર્યજનક રીતે ચાન્સેલર શુભાંગિનીદેવી ગાયકવાડની કોર્ટમાં બોલ નાંખી દીધો હતો.વાઈસ ચાન્સેલરે અમને કહ્યુ હતુ કે, હવે વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપવાનો ઉપરથી આદેશ છે એટલે તમે ચાન્સેલરને જ મળો અને પ્રવેશ માટે રજૂઆત કરો.
બંને નેતાઓ પણ આ જવાબ સાંભળીને આશ્ચર્યમાં પડી ગયા હતા.તેમનુ કહેવુ હતુ કે, પહેલી વખત કોઈ વાઈસ ચાન્સેલરને અમે એડમિશન માટે ચાન્સેલરને મળવાનુ કહેતા સાંભળ્યા છે.કારણકે યુનિવર્સિટીમાં દરેક વ્યક્તિ જાણે છે કે ,એડમિશન પોલિસી અને બીજી બાબતોમાં ક્યારેય ચાન્સેલર માથુ મારતા નથી.આમ છતા વાઈસ ચાન્સેલરે એડમિશનના મુદ્દે ચાન્સેલરને વચ્ચે લાવવાનો પ્રયાસ કર્યો છે.ચાન્સેલર હાલમાં તો લંડન છે પણ તેઓ પાછા આવશે ત્યારે અમે તેમના ધ્યાનમાં આ વાત પણ લાવવાના છે.