એમ.એસ.યુનિ.ની સ્થાપનાના ૭૫ વર્ષ નિમિત્તે માત્ર અડધો કલાકનો એક કાર્યક્રમ યોજાયો
વડોદરાઃ દેશ વિદેશમાં જાણીતી અને વડોદરાનુ ગૌરવ ગણાતી એમ.એસ.યુનિવર્સિટીની સ્થાપનાને આજે ૭૫ વર્ષ પૂર્ણ થયા હતા.આટલા મહત્વના અને સીમાચિહ્ન રુપ પ્રસંગને યુનિવર્સિટી સત્તાધીશોએ અડધો કલાકમાં જ એક ઔપચારિક કાર્યક્રમ કરીને આટોપી લેતા યુનિવર્સિટીના અધ્યાપકો અને કર્મચારીઓમાં પણ આશ્ચર્ય સર્જાયુ હતુ.
ઉલ્લેખનીય છે કે, ૩૦ એપ્રિલ-૧૯૪૯ના દિવસે એમ.એસ.યુનિવર્સિટી અસ્તિત્વમાં આવી હતી.દર વર્ષે આ દિવસે યુનિવર્સિટીના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરુપે સેનેટ હોલમાં યોજાતા કાર્યક્રમમાં ચાન્સેલર અને વાઈસ ચાન્સેલરની હાજરીમાં મહારાજા સયાજીરાવના ફોટોગ્રાફ સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરાતી હોય છે.જોકે ૭૫ વર્ષ પૂરા થવા નિમિત્તે સત્તાધીશો આ પ્રસંગની ભવ્ય ઉજવણી પણ કરી શકયા હોત.તેની જગ્યાએ આજે સેનેટ હોલમાં યોજાયેલો કાર્યક્રમ અડધો કલાકમાં પૂરો થઈ ગયો હતો.જેમાં ૭૫ લોકો પણ હાજર રહ્યા નહોતા.યુનિવર્સિટી વર્તુળોમાં ચાલતી ચર્ચા પ્રમાણે સ્થાપના દિવસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમના પરિપત્રમાં પણ સત્તાધીશોએ ૭૫ વર્ષ પૂર્ણ કર્યા હોવાનો ઉલ્લેખ કરવાની તસદી લીધી નહોતી.ખરેખર તો મોટા પાયે કાર્યક્રમ યોજીને યુનિવર્સિટીના તમામ અધ્યાપકો તથા કર્મચારીઓને સત્તાધીશો આમંત્રિત કરી શક્યા હોત.યુનિવર્સિટી સત્તાધીશોને પોતાની જ સંસ્થા માટે ગૌરવપૂર્ણ ઘટનાની પડેલી ના હોય તે પ્રકારનો માહોલ દેખાયો હતો.તેનાથી ઉલટુ યુનિવર્સિટીના ૫૦ વર્ષ પૂરા થયા ત્યારે ભવ્ય રીતે ગોલ્ડન જ્યુબેલી સમારોહનુ આયોજન કરાયુ હતુ.એ સમયે નીકળેલી ભવ્ય રેલીને પણ અધ્યાપકોએ આજે યાદ કરી હતી.