Get The App

ભારે ગુપ્તતા વચ્ચે યુનિ.ના બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
ભારે ગુપ્તતા વચ્ચે  યુનિ.ના બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી 1 - image

વડોદરાઃ ગુજરાત સરકારના કોમન યુનિવર્સિટી એકટના પગલે એમ.એસ.યુનિવર્સિટીમાં સેનેટની જગ્યાએ અસ્તિત્વમાં આવેલા બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક ભારે ગુપ્તતા વચ્ચે મળી હતી.

પહેલા સેનેટની બેઠક મળનારી હોય તો તેના પંદર દિવસ પહેલા સેનેટ સભ્યોને એજન્ડા મોકલી આપવામાં આવતો હતો.સભ્યોને પ્રશ્નો પૂછવાની છુટ રહેતી હતી.જ્યારે  બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યોને તો આજે બેઠક મળી તે પહેલા જ એજન્ડા આપવામાં આવ્યો હોવાની ચર્ચા યુનિવર્સિટી વર્તુળોમાં થઈ રહી હતી.મળતી વિગતો પ્રમાણે આજની બેઠકમાં યુનિવર્સિટીનુ ૩૦૦ કરોડ ઉપરાંતનુ બજેટ પસાર કરવામાં આવ્યુ હતુ.સાથે સાથે અન્ય કેટલીક દરખાસ્તો  પણ કોઈ ચર્ચા, વિરોધ કે પ્રશ્ન્ વગર જ મંજૂર કરી દેવામાં આવી હતી.સભ્યોને પણ વાઈસ ચાન્સેલર સૂચના આપવામાં આવી હતી કે, આ બેઠક અંગે કોઈની સાથે વાત કરવાની નથી.

યુનિવર્સિટી સત્તાધીશોએ જે પ્રકારે ગુપ્તતા રાખીને આજની બેઠકનુ આયોજન કર્યુ હતુ તે જોતા હવે યુનિવર્સિટીના વહિવટમાંથી પારદર્શિતાની વિદાય થઈ ગઈ છે તે નિશ્ચિત છે અને જો આ જ રીતે સત્તાધીશો કુલડીમાં ગોળ ભાંગવાનુ ચાલુ રાખશે તો  યુનિવર્સિટીના વહિવટમાં બેફામ ભ્રષ્ટાચાર પણ થઈ શકે છે તે જાણકારોનુ કહેવુ છે.જેના માટે સરકારનો કોમન એકટ જવાબદાર હશે.જેમાં વાઈસ ચાન્સેલરને સરકારી યુનિવર્સિટીના સર્વેસર્વા બનાવી દેવામાં આવ્યા છે.

ગુપ્તતા જાળવવાના આદેશની અસર એ હદે દેખાઈ હતી કે, બેઠકની જાણકારી મેળવવા માટે યુનિવર્સિટી રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાને વારંવાર ફોન કરવા છતા તેમણે વાત કરવાની તસદી લીધી નહોતી.યુનિવર્સિટીના ચીફ એકાઉન્ટ ઓફિસર જિગર જોષીએ પણ જાણકારી ના આપવી પડે તે માટે વાત કરવાનુ ટાળ્યુ હતુ.



Google NewsGoogle News