આઉટસોર્સિંગના ફોર્મ પર સહી કરવા માટે હંગામી કર્મચારીઓ પર યુનિ.સત્તાધીશોનું દબાણ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા હંગામી કર્મચારીઓની કામગીરીનું આઉટસોર્સિંગ કરવાની જીદ સામે કર્મચારીઓ બાંયો ચઢાવી રહ્યા છે.જોકે તેના કારણે હંગામી કર્મચારીઓની દિવાળી બગડે તેવા પણ એંધાણ વરતાઈ રહ્યા છે.
સેનેટ અને સિન્ડિકેટની ગેરહાજરીમાં યુનિવર્સિટી પોતાની જાગીર હોય તે રીતે વહીવટ ચલાવી રહેલા સત્તાધીશોએ સરકારને ખુશ કરવા માટે એજન્સીને ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓની કામગીરીનું આઉટસોર્સિંગનો કોન્ટ્રાક્ટ ૬ મહિના પહેલા આપ્યો હતો.
હવે સત્તાધીશોએ હંગામી કર્મચારીઓને એજન્સીમાં ટ્રાન્સફર કરાવવા માટે ફોર્મ ભરાવવાના શરુ કર્યા છે.એક વખત હંગામી કર્મચારીઓ ફોર્મ ભરશે તે પછી તેઓ યુનિવર્સિટીના કર્મચારી નહીં રહે.તેમનો પગાર આઉટસોર્સિંગ એજન્સી કરશે.જોકે કર્મચારીઓ પણ હવે લડત આપવાના મૂડમાં છે.મોટાભાગના હંગામી કર્મચારીઓએ ફોર્મ ભર્યા નથી.કેટલાક કર્મચારીઓએ આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી મજબૂરીથી ફોર્મ ભરી આપ્યા છે.
કર્મચારી આલમમાં એવો એવો ગણગણાટ છે કે, જે કર્મચારી ફોર્મ નહીં ભરે તેને યુનિવર્સિટી અને એજન્સી બંને જગ્યાએથી પગાર નહીં મળે.આ વખતે દિવાળી હોવાથી સરકારે તા.૨૬ ઓકટોબરની આસપાસ પગાર કરવાનો આદેશ આપ્યો છે.યુનિવર્સિટીમાં કાયમી અધ્યાપકો, હંગામી અધ્યાપકો અને કાયમી કર્મચારીઓના પગાર બિલ બની રહ્યા છે પણ હંગામી કર્મચારીઓના પગાર બિલ બની રહ્યા નથી.આવા ૪૦૦ જેટલા કર્મચારીઓને દિવાળી પહેલા પગાર ના મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.આ અંગે યુનિવર્સિટીએ શું નિર્ણય લીધો છે તે જાણવા માટે રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાનો સંપર્ક થઈ શક્યો નહોતો.