આર્ટસના આઠ વિભાગોમાં ૧૦ કરતાં ઓછા વિદ્યાર્થીઓ, બે વિભાગોમાં તમામ બેઠકો ખાલી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં સ્નાતક અને અનુ સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશની કાર્યવાહી બાદ ૨૫૦૦ જેટલી બેઠકો ખાલી રહી છે અને તેમાં પણ આર્ટસ ફેકલ્ટીની હાલત સૌથી ખરાબ છે.
ફેકલ્ટીની ૧૦૦૦ એટલે કે ૫૦ ટકા જેટલી બેઠકો ખાલી પડી છે.ફેકલ્ટીમાં સાયકોલોજીને બાદ કરતા બીજા કોઈ વિભાગની બેઠકો પૂરી ભરાઈ નથી.પ્રતિષ્ઠિત ગણાતા વિભાગોમાં અગાઉ એડમિશન માટે પડાપડી થતી હતી અને ત્યાં પણ ૫૦ ટકા જેટલી બેઠકો ખાલી છે.જેમ કે અંગ્રેજી વિભાગમાં ૨૬૦ની સામે ૧૭૩ બેઠકો ભરાઈ છે.તો ઈકોનોમિક્સમાં ૨૬૦ બેઠકોની સામે ૧૩૩ જ વિદ્યાર્થીઓએ ફી ભરી છે.
આર્ટસમાં મોટા ઉપાડે લોન્ચ કરવામાં આવેલા બેચલર ઓફ હિન્દુ સ્ટડીઝના કોર્સમાં ૬૦ની સામે ૮ જ અને ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યુરિટી સ્ટડીઝમાં ૬૦ની સામે ૧૯ જ એડમિશન થયા છે.
કેટલાક વિભાગોમાં તો પ્રવેશ લેનારની સંખ્યા એક જ આંકડામાં છે.જેમ કે પર્શિયનમાં ૩૦ બેઠકો સામે એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ નથી લીધો.લિન્ગ્વિસ્ટિકમાં ૩૦ બેઠકો સામે પાંચ, મરાઠીમાં ૩૦ બેઠકો સામે ઝીરો, જર્મનમાં ૩૦ બેઠકો સામે ૨ અને રશિયનમાં ૫૦ બેઠકો સામે ૬ વિદ્યાર્થીઓએ પ્રવેશ ફી ભરી છે.
સૂત્રોનુ કહેવુ છે કે, આર્ટસમાં પ્રવેશ લેનારો એક મોટો વર્ગ ગુજરાત બહારના વિદ્યાર્થીઓનો હોય છે અને આ વખતે જીકાસ પોર્ટલ પર પ્રવેશ કાર્યવાહી થવાની છે તેવી તેમને જાણકારી જ નહોતી અને તેના કારણે તેમને પ્રવેશ મળ્યો નથી.ખાલી બેઠકો પર યુનિવર્સિટી સ્તરે થનારી પ્રવેશ કાર્યવાહીના હજી કોઈ ઠેકાણા નથી ત્યારે હવે આ બેઠકો ભરાવાની શક્યતાઓ ઓછી છે.સિવાય કે પૂરક પરીક્ષામાં પાસ થયેલા કેટલાક વિદ્યાર્થીઓ આર્ટસમાં પ્રવેશ લે.
કયા વિભાગમાં કેટલી બેઠકો ભરાઈ
વિભાગ કુલ બેઠકો ભરાઈ
હિન્દુ સ્ટડીઝ ૬૦ ૮
ડિફેન્સ સ્ટડીઝ ૬૦ ૧૯
આર્કિઓલોજી ૪૦ ૨૪
ઈંગ્લિશ ૨૬૦ ૧૭૩
ઈકોનોમિક્સ ૨૬૦ ૧૩૩
ફ્રેન્ચ ૩૦ ૬
જિઓગ્રાફી ૬૦ ૪૫
જર્મન ૩૦ ૨
ગુજરાતી ૨૬૦ ૧૦૬
હિન્દી ૨૬૦ ૨૧૩
હિસ્ટ્રી ૧૩૦ ૭૯
લિન્ગિવિસ્ટિક ૩૦ ૫
મરાઠી ૩૦ ૦
પર્શિયન ૩૦ ૦
ફિલોસોફી ૬૦ ૮
સાયકોલોજી ૧૦૦ ૮૭
રશિયન ૫૦ ૬
સંસ્કૃત ૬૦ ૧૭
સોશિયોલોજી ૬૦ ૨૪
વરસાદ અને પૂર છતાં આજે આર્ટસમાં એફવાયનો ઓરિએન્ટેશન પ્રોગ્રામ યથાવત
વડોદરા શહેરમાં વરસાદ અને વિશ્વામિત્રીના પૂરની સ્થિતિ વચ્ચે પણ આર્ટસ ફેકલ્ટીના સત્તાધીશોએ આવતીકાલે શુક્રવારે એફવાયના વિદ્યાર્થીઓ માટેનો ઓરિએન્ટેશન પ્રોગ્રામ યથાવત રાખ્યો છે.વિશ્વામિત્રીમાં પૂરની સ્થિતિના કારણે શહેરના બ્રિજ બંધ કરાયા છે અને ઘણા વિદ્યાર્થીઓ તેમાં આવી શકવાના નથી અથવા વિદ્યાર્થીઓ આવવાનુ પણ ટાળે તેમ છે.આમ છતા ઓરિએન્ટેશન પ્રોગ્રામ ના આયોજનથી આશ્ચર્ય જોવા મળી રહ્યુ છે.
એમ.એસ.યુનિ.દ્વારા શિક્ષણકાર્ય ચાલુ રાખવા અંગે કોઈ સ્પષ્ટતા નહીં
વડોદરામાં વિશ્વામિત્રીની સપાટીમાં થયેલા વધારાના કારણે પૂરની સ્થિતિ હોવા છતા એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ આવતીકાલે, શુક્રવારે શિક્ષણ ચાલુ રહેશે કે કે બંધ તેવી કોઈ સ્પષ્ટતા કરી નથી.આ બાબતે જાતે નિર્ણય લઈ શકાય તેમ હોવા છતા સત્તાધીશો જિલ્લા વહીવટીતંત્રની જાહેરાતના ભરોસે બેસી રહ્યા છે.રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાએ કહ્યુ હતુ કે, વહીવટીતંત્રની જાહેરાતના આધારે નિર્ણય લેવાશે.જો વહીવટીતંત્ર કોઈ જાહેરાત ના કરે તો શું તે સવાલનો જવાબ તેમણે આપવાનુ ટાળ્યું હતુ.આમ યુનિવર્સિટી સત્તાધીશોના બેપરવાહ વલણથી હજારો વિદ્યાર્થીઓ ગૂંચવાડામાં મૂકાયા છે.