Get The App

આર્ટસ ફેકલ્ટીની ઐતિહાસિક ઈમારત અને ગુંબજના સમારકામ માટે ૫.૫૦ કરોડ ખર્ચાશે

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
આર્ટસ ફેકલ્ટીની ઐતિહાસિક ઈમારત અને ગુંબજના સમારકામ માટે ૫.૫૦ કરોડ ખર્ચાશે 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીની ઐતિહાસિક ઈમારતના સમારકામ અને ગુંબજના કાયાકલ્પ માટે હવે યુનિવર્સિટી સત્તાધીશોએ ૫.૫ ૦ કરોડ રુપિયાની રકમની ફાળવણી કરી છે.આ કામગીરી માટે હવે ત્રીજા  કોન્ટ્રાક્ટરની પસંદગી કરવામાં આવી છે.

આર્ટસની ઐતહાસિક ઈમારત અને ગુંબજનુ રિનોવેશન કરવાની યોજના તો આજથી સાત વર્ષ પહેલાની હતી.સૌથી પહેલા રિનોવેશનની કામગીરી આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાને સોંપાઈ હતી.જોકે સમારકામના ભાગરુપે એએસઆઈના કોન્ટ્રાક્ટરે ગુંબજમાં કાણા પાડતા ઉહાપોહ થયો હતો અને આ કામ સત્તાધીશોએ એએસઆઈ પાસેથી પાછુ લઈ લીધુ હતુ.

કોરોનાના પહેલા અન્ય એક કોન્ટ્રાક્ટરને જવાબદારી સોંપાઈ હતી પણ કોઈને કોઈ કારણસર રિનોવેશનની કામગીરીમાં અડચણો ઉભી થઈ હતી.આ કોન્ટ્રાક્ટરને સોંપાયેલુ કામ હજી પણ અધુરુ છે.આર્ટસની ઐતિહાસિક ઈમારતમાં ઘણી જગ્યાએ સમારકામ બાકી છે.

મળતી વિગતો પ્રમાણે હવે સત્તાધીશોએ ટેન્ડરો મંગાવ્યા બાદ ત્રીજા કોન્ટ્રાક્ટરને જવાબદારી સોંપી છે.જે ઈમારતનુ સમારકામ કરવાની સાથે સાથે ગુંબજનો પણ કાયાકલ્પ કરશે.આ માટે ૫.૫૦ કરોડ રુપિયા જેટલુ બજેટ ફાળવવામાં આવ્યુ છે.પાંચ મહિના પહેલાથી આ કોન્ટ્રાક્ટરે કામ પણ શરુ કરી દીધુ છે.

સૂત્રોના કહેવા પ્રમાણે ગુંબજ પરની કાળાશ દુર કરવામાં આવશે.સાથે સાથે ગુંબજ પર વિશેષ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરાશે.જેથી તેના પરથી વરસાદનુ પાણી સરી જાય અને ગુંબજ પર લીલ બાઝે નહીં.આ જ રીતે ઈમારતનુ પણ બહારથી સમારકામ કરાશે તથા ઈમારતની અંદર જે કામગીરી અધૂરી છે તે પણ પૂરી કરાશે.કારણકે સત્તાધીશોએ અભ્યાસ માટે ક્લાસરુમ ખુલ્લા તો મૂકી દીધા છે પણ તેમાં ઘણી કામગીરી બાકી હોવાથી વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે.અહીંયા ગર્લ્સ માટે વોશરુમનો પણ અભાવ છે.આ પ્રોજેકટ ૨૦૨૫ના માર્ચ મહિનામાં પૂરો થશે.


Google NewsGoogle News