યુનિ.સત્તાધીશોએ લોકપાલની નિમણૂંક કરી જાહેરાત કરવામાં ૧૫ દિવસ લગાડયા
વડોદરાઃ યુજીસીએ લોકપાલની નિમણૂંક નહીં કરવા બદલ એમ.એસ.યુનિવર્સિટીને તાજેતરમાં ડિફોલ્ટર જાહેર કરી હતી.એ પછી યુનિવર્સિટી સત્તાધીશોએ તા.૨૫ જૂને લોકપાલ તરીકે નિવૃત્ત પ્રિન્સિપલ ડિસ્ટ્રિકટ જજ આર એન દવેની નિમણૂંક કરી છે.આશ્ચર્યની વાત એ છે કે, નિમણૂંકના ૧૫ દિવસ બાદ આજે જાહેરાત કરવામાં આવી છે.
લોકપાલની નિમણૂંક વિદ્યાર્થીઓની સમસ્યાઓ અને ફરિયાદનું નિરાકરણ લાવવા માટે કરાઈ છે પણ હજી સુધી તો વિદ્યાર્થીઓને લોકપાલની નિમણૂંકની જાણકારી પણ મળી નથી.ઉલ્લેખનીય છે કે, યુજીસીએ ગત વર્ષે જ લોકપાલની નિમણૂંક માટે સત્તાધીશોને આદેશ આપ્યો હતો.જોકે યુનિવર્સિટી સત્તાધીશોને તેની ગંભીરતા સમજાઈ નહોતી.બે વખત યાદ કરાવ્યા બાદ પણ સત્તાધીશોએ લોકપાલની નિમણૂંક નહીં કરતા યુનિવર્સિટીની ડિફોલ્ટર જાહેર કરાઈ હતી અને એ પછી સત્તાધીશોની આંખો ઉઘડી હતી.
યુજીસીની ગાઈડ લાઈન પ્રમાણે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની સમસ્યાનુ સંતોષકારક નિરાકરણ ના થયુ હોય તેવા કિસ્સામાં લોકપાલ સમક્ષ વિદ્યાર્થીઓ અપીલ કરી શકશે.આવી ફરિયાદોનુ ૩૦ દિવસની અંદર સમાધાન કરવા માટે લોકપાલ દ્વારા પ્રયાસ કરાશે.પરીક્ષાઓના સંચાલન અને ગેરરીતિના મુદ્દે પણ લોકપાલ ફરિયાદ સાંભળશે.
લોકપાલ દ્વારા વિદ્યાર્થીઓની ફરિયાદની સુનાવણી દરમિયાન બંને પક્ષોને સાંભળશે.દરમિયાન લોકપાલ દ્વારા કરાયેલી ભલામણોનુ પાલન કરવુ પણ યુનિવર્સિટી માટે જરુરી છે.જો ફરિયાદ કરનારની ફરિયાદ ખોટી હોવાનુ જણાશે તો લોકપાલ જે તે વિદ્યાર્થી સામે કાર્યવાહી કરવાની પણ ભલામણ કરી શકશે.યુનિવર્સિટીના પીઆરઓ(ઓએસડી)નુ કહેવુ છે કે, જરુરી વહીવટી પ્રક્રિયા બાદ લોકપાલનુ નામ જાહેર કરવાનુ હોય છે અને તેના કારણે નિમણૂંક બાદ આજે નામની જાહેરાત કરાઈ છે.લોકપાલની નિમણૂંકથી વિદ્યાર્થીઓની ફરિયાદોનો અસરકારક અને નિષ્પક્ષ રીતે ઉકેલ આવશે.
લોકપાલનો સંપર્ક નંબર, ઈ-મેઈલ એડ્રેસ કે ઓફિસની કોઈ જાણકારી અપાઈ નથી
યુનિવર્સિટી સત્તાધીશોએ લોકપાલની નિમણૂંકની જાહેરાતના ભાગરુપે માત્ર નામ જ જાહેર કર્યુ છે. લોકપાલનો સંપર્ક નંબર કે ઈ મેઈલ એડ્રેસની જાણકારી અપાઈ નથી.લોકપાલની ઓફિસ ક્યાં હશે અને તેઓ કયા દિવસે તેમજ કયા સમયે ઉપલબ્ધ હશે તેની પણ વિગતો જાહેર કરવામાં આવી નથી.આમ યુજીસી વધુ કોઈ કાર્યવાહી ના કરે તે માટે સત્તાધીશોએ નાછૂટકે લોકપાલની નિમણૂંક કરી હોય તેમ લાગી રહ્યુ છે.