આદિવાસી પરંપરાઓના ડિજિટલાઈઝેશન માટે પ.બંગાળની બે યુનિ.અનેMSUને જવાબદારી
વડોદરાઃ ભારતના વિવિધ વિસ્તારોમાં રહેતા આદિવાસી સમુદાયોની આગવી પંરપરાઓ અને ઈતિહાસ છે.આધુનિક યુગમાં તેનુ સંવર્ધન કરવુ પણ એટલુ જ જરુરી છે.જેના માટે અલગ અલગ સ્તરે પ્રયાસ પણ થતા હોય છે.
ભારત સરકારની ઈન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ દ્વારા આવો જ એક પ્રોજેકટ પશ્ચિમ બંગાળની બે યુનિવર્સિટીઓ તેમજ એમ.એસ.યુનિવર્સિટીને સંયુક્ત રીતે સોંપવામાં આવ્યો છે.પ્રોજેકટ માટે કાઉન્સિલે ૧૮ લાખ રુપિયાની ગ્રાંટ ફાળવી છે.
આ પ્રોજેકટના પર પશ્ચિમ બંગાળની જાદવપુર યુનિવર્સિટીના ડો.દેવાશ્રી દત્તારાય, પશ્ચિમ બંગાળની જ પુરુલિયાની સિધો કાન્હો બિરસા યુનિવર્સિટીના પ્રો.નિબેતિતા મુખરજી તેમજ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ેફેકલ્ટીના પ્રો.હિતેશ રાવિયા સંયુક્ત રીતે કામ કરશે.
પ્રોજેકટના ભાગરુપે ત્રણે અધ્યાપકો પશ્ચિમ બંગાળના બાંકુરા અને પુરુલિયા વિસ્તારમાં રહેતા સંથાલ અને બિરહોર સમુદાયોની સ્વદેશી નોલેજ સિસ્ટમનુ ડિજિટલાઈઝેશન કરશે.જેની પાછળનો હેતુ આ સમુદાયોના સાંસ્કૃતિક વારસાનુ જતન કરવાનો અને તેને ભારતના લોકો સમક્ષ રજૂ કરવાનો છે.પ્રો.રાવિયા કહે છે કે, પ્રોજેકટ માટે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરવામાં આવશે.ઉપરોક્ત બંને સમુદાયો પાસે સદીઓથી ચાલી આવતી આગવી અને સમૃધ્ધ પરંપરા છે અને ઈન્ડિયન નોલેજ સિસ્ટમના ભાગરુપે તેનુ દસ્તાવેજીકરણ કરવામાં આવશે.પ્રોજેકટનો એક હેતુ સ્વદેશી પરંપરાઓને તેમજ સ્વદેશી નેતૃત્વને પ્રોત્સાહન આપવાનો છે.