Get The App

એમ.એસ. યુનિવર્સિટી NIRF રેન્કમાં 151-200ના બેન્ડમાં ધકેલાઇ

વર્ષ 2016માં 76મા અને 2021માં 90મા સ્થાને હતી

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
એમ.એસ. યુનિવર્સિટી NIRF રેન્કમાં 151-200ના બેન્ડમાં ધકેલાઇ 1 - image


વડોદરા : કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે સોમવારે નેશનલ ઇન્સ્ટિટયુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (એનઆઇઆરએફ - ૨૦૨૪) બહાર પાડયુ છે.જેમાં એમ.એસ.યુનિવર્સિટીનુ રેન્કિંગ શક્યતા પ્રમાણે જ ગત વર્ષોની સરખામણીમાં ખુબ નીચુ આવ્યુ છે. એમ.એસ.યુનિવર્સિટીનો ભારતની ટોપ - ૧૦૦ યુનિવર્સિટીઓની યાદીમાં કોઇ અતોપતો નથી.

ગત વર્ષે 100 - 150 બેન્ડમાં હતી, કેમ્પસ રાજકારણનો અડ્ડો બની જતા છેલ્લા ચાર વર્ષમાં યુનિવર્સિટીનું શૈક્ષણિક કાર્ય કથળ્યું

એમ.એસ.યુનિવર્સિટીએ 'ઈન્ડિયા રેન્કિંગ્સ ૨૦૨૪માં' ૧૫૧-૨૦૦ના રેન્ક બેન્ડમાં સ્થાન મેળવ્યું છે.  છેલ્લા બે વર્ષથી, એમ.એસ. યુનિવસટીનું સ્થાન રાષ્ટ્રીય રેન્કિંગમાં ૧૦૧-૧૫૦ના રેન્ક બેન્ડમા આવતુ હતું. ભૂતકાળમાં બે વખત એમ.એસ.યુનિવર્સિટીએ રાષ્ટ્રીય રેન્કિંગમાં ટોપ - ૧૦૦ યુનિવર્સિટીમાં સ્થાન મેળવ્યુ હતું તે બે વર્ષ ૨૦૧૬ અને ૨૦૨૧ હતા. જેમાં વર્ષ ૨૦૧૬માં અત્યાર સુધીમાં સૌથી શ્રેષ્ટ રેન્કિંગ મેળવ્યુ હતું તે વર્ષે એમ.એસ.યુનિવર્સિટી ટોપ - ૧૦૦માં ૭૬માં સ્થાને હતી. જ્યારે વર્ષ ૨૦૨૧માં ૯૦માં સ્થાને હતી.

ઉલ્લેખનીય છે કે, એમ.એસ.યુનિવર્સિટીમાં રાજકીય દખલગીરી વધતા કેમ્પસ હવે રાજકારણનો અડ્ડો બની ગયો છે જેના કારણે છેલ્લા ચાર વર્ષમાં શૈક્ષણિક કાર્ય કથળ્યુ છે.  યુનિવર્સિટી કેમ્પસમાં હવે શિક્ષણની ગુણવત્તા સુધારવાની નહી પરંતુ રાજકીય કાવાદાવાની ચર્ચા વધુ થાય છે. હવે તો એમ.એસ.યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગુ કરી દેવાયો છે અને તેની સ્વાયત્તા છીનવી લેવાઇ છે એટલે આવતા વર્ષોમાં ૧૫૧ - ૨૦૦ રેન્ક બેન્ડમાંથી પણ એમ.એસ.યુનિવર્સિટી બાકાત રહી જાય તેવી શક્યતાઓ છે.

ચાર વર્ષમાં ફાર્મસી ફેકલ્ટી 14માંથી 44માં ક્રમે આવી ગઇ

એમ.એસ.યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટી ઘણા લાંબા સમયથી એનઆઇઆરએફની યાદીમાં દર વર્ષે ટોપ-૫૦માં સ્થાન મેળવી રહી છે પરંતુ આ વર્ષે તેના રેન્કમાં ઘટાડો થયો છે. આ વખતે ફેકલ્ટી ૪૪મા ક્રમે આવી છે, જે ગયા વર્ષે ૩૦મા અને વર્ષ ૨૦૨૨માં ૧૬મા સ્થાને હતી  ૨૦૨૧માં ૨૪મું સ્થાન મેળવ્યું હતું. અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ દેખાવમ વર્ષ ૨૦૨૦માં રહ્યો હતો ત્યારે ફાર્મસી ફેકલ્ટીએ ટોપ-૫૦માં ૧૪મુ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું.

સરકારી યુનિવસટીઓની યાદીમાં પણ ટોપ-50માં નહી, ટેકનોલોજી ફેકલ્ટીનું સ્થાન પણ 117થી ગગડીને 201થી 300 રેન્કમાં

આ વખતે એનઆઇઆરએફની રેન્કિંગમાં પ્રથમ વખત રાજ્યની સરકારી યુનિવસટીઓની કેટેગરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પણ આ કેટેગરીમાં પણ એમ.એસ.યુનિવર્સિટી પોતાની ઓળખ બનાવી શકી નથી. ગુજરાત યુનિવસટી રાજ્યની એકમાત્ર યુનિવસટી છે. જેણે રાજ્યની સરકારી ટોપ-૫૦ યુનિવસટીઓ સ્થાન મેળવ્યું છે. જ્યારે આ કેટેગરીમાં એમ.એસ.યુનિવર્સિટી ૫૧-૧૦૦ના રેન્ક બેન્ડમાં છે. એન્જિનિયરિંગ કોલેજોમાં પણ એમ.એસ.યુનિવર્સિટીનું રેન્કિંગ કથળ્યુ છે. ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગે ૨૦૧-૩૦૦ના રેન્ક બેન્ડમાં સ્થાન મેળવ્યું છે, ગત વર્ષે ૧૫૧-૨૦૦ ના રેન્ક બેન્ડમાં સ્થાન હતું. ફેકલ્ટી ૨૦૨૨ મા ૧૪૯મા સ્થાને અને ૨૦૨૧માં ૧૧૭મા સ્થાને હતી. 


Google NewsGoogle News