પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે આતંકવાદીઓ જેવું એમ.એસ.યુનિવર્સિટીના સત્તાધીશોનું વર્તન
Vadodara M S University : એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશથી વંચિત વાલીઓ અને વિદ્યાર્થીઓ પાકિસ્તાનના આતંકવાદીઓ હોય તેવુ વર્તન કરવામાં આવ્યું હતું.
વાલીઓ અને વિદ્યાર્થીઓને પહેલા તો આકરા તાપમાં એક કલાક સુધી યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં પણ પ્રવેશ અપાયો નહોતો. કમ્પાઉન્ડમાં પ્રવેશવાના ગેટ પર પોલીસ અને સિક્યુરિટી ખડકી દેવામાં આવી હતી. બીજી તરફ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર, પીઆરઓ(ઓએસડી) સહિતના અધિકારીઓ તો એસીમાં આરામથી બેસી રહ્યા હતા. વિદ્યાર્થી પ્રતિનિધિએ કહ્યું હતું કે અહીંયા વાલીઓ આવ્યા છે, આ કોઈ પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓ નથી.
એક કલાક પછી પણ વાલીઓ અને વિદ્યાર્થીઓ હટવા તૈયાર નહીં હોવાથી પોલીસને કમ્પાઉન્ડનો ગેટ ખોલવો પડયો હતો. એક પોલીસ અધિકારીએ સત્તાધીશોને કહ્યું હતું કે, તમારે વાલીઓ અને વિદ્યાર્થીઓને મળવુ તો પડશે જ. એ પછી પીઆરઓ(ઓએસડી) વાલીઓ અને વિદ્યાર્થીઓને મળવા માટે બહાર આવ્યા હતા. વિદ્યાર્થીઓ વાલીઓએ કહ્યું હતું કે, અમારે તો વાઈસ ચાન્સેલરને મળવુ છે તો એવો જવાબ મળ્યો હતો કે, વીસી તો ગાંધીનગર ગયા છે...જોકે વિદ્યાર્થી સંગઠનોએ આક્ષેપ કર્યો હતો કે, વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવ અંદર હોવા છતા મળવા માટે તૈયાર નથી.
આકરી ગરમીમાં એક મહિલાને ચકકર આવતા તેઓ ઢળી પડયા હતા. એ પછી તેમને પાણી પિવડાવવામાં આવ્યું હતું. આખરે બે કલાક બાદ રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાએ પાંચ પ્રતિનિધિઓ જ અંદર આવશે તેવી શરત સાથે વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળી હતી. જોકે એ પછી પણ બેઠકો વધારવામાં આવશે તેવી ખાતરી તો વિદ્યાર્થીઓ કે વાલીઓને મળી જ નથી.