એમ.એસ.યુનિ. કોમર્સ ફેકલ્ટીમાં ગત વર્ષ જેટલા જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે
સરકારના આદેશ બાદ સાંસદ અને ધારાસભ્યો સાથે વીસીની મોડી રાત્રે બેઠક, બેઠકો વધારવાની કોઈ વાત નહીં, હજી ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જશે
વડોદરા : એમ.એસ.યુનિવસટીમાં પ્રવેશથી વંચિત વડોદરાના વિદ્યાર્થીઓ અને વાલીઓના ભારે વિરોધ અને આક્રોશમાં બીજા નાગરિકો જોડાયા બાદ ડરી ગયેલી ભાજપ સરકારે આજે ડેમેજ કંટ્રોલના પ્રયાસો હાથ ધર્યા હતા.જેના પગલે વડોદરા શહેર અને જિલ્લાના આઠ ધારાસભ્યો અને સાંસદે વાઈસ ચાન્સેલર ડો.વિજય શ્રીવાસ્તવને મોડી રાત્રે તેડુ મોકલીને વડોદરાની એક હોટલમાં બોલાવ્યા હતા.
મળતી વિગતો પ્રમાણે વાઈસ ચાન્સેલરે વડોદરાના વિદ્યાર્થીઓને ગત વર્ષની જેમ પ્રવેશ આપવા માટે ખાતરી આપી છે.જોકે આ ખાતરી સામે પણ સવાલો ઉભા થયા છે.કારણકે ગત વર્ષની જેમ પ્રવેશ આપવામાં આવે તો વડોદરાના ૯૫ ટકા વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તેમ છે.ઉપરાંત આ વખતે ૫૮૦૦ વિદ્યાર્થીઓને તો પહેલા જ પ્રવેશ આપી દેવાયો છે.જેમાં ૩૦ ટકા વિદ્યાર્થીઓ બહારગામના છે.આ સંજોગોમાં વડોદરાના કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે અને કેટલાને નહીં તેના પર પણ સવાલ છે.કારણકે ગત વર્ષ કરતા આ વખતે પરિણામ ઘણુ વધારે આવ્યુ છે.
એવુ લાગી રહ્યુ છે કે, વાઈસ ચાન્સેલરે વડોદરાના ધારાસભ્યો અને સાંસદને પણ લોલીપોપણ લોલીપોપ આપી છે.જેની પાછળનો મુખ્ય આશય આવતીકાલે મંગળવારે, રેલી ના નીકળે તેવો છે. બજારમાં થતી વસ્તુઓની જેમ વડોદરાના વિદ્યાર્થીઓની સોદાબાજી થઈ હોવાનુ અને મોડી રાત્રે બેઠક યોજીને કુલડીમાં ગોળ ભાંગવામાં આવ્યો હોવાની લાગણી વ્યક્ત થઈ રહી છે.ધારાસભ્યો અને સાંસદે ઈચ્છયુ હોત તો મંગળવારે સવારે પણ આ બેઠક યોજાઈ શકી હોત પરંતુ ગમે તેમ કરીને આંદોલન ઉગ્ર બને તે પહેલા સમેટી લેવાય તે માટે ભાજપ સરકારના ઈશારે બેઠક યોજાઈ હોવાનુ વડોદરાના લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે.