વડોદરા-શિરડી વચ્ચે વંદે ભારત ટ્રેન શરૃ કરવા રજૂઆત
ઓખા-અમદાવાદ વંદે ભારતને વડોદરા સુધી લંબાવવા અને ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે અલકાપુરી ગરનાળા ઉપર ઓવર બ્રિજ નિર્માણની ચર્ચા પણ કરવામાં આવી
વડોદરા : અમદાવાદ ખાતે આજે નીતિ વિષયક આયોજન બાબતે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર સાથે મધ્ય અને ઉત્તર ગુજરાતના સાંસદોની બેઠક મળી હતી જેમાં વડોદરાના સાંસદે અનગઢ અને સિંધરોટ તેમજ આસપાસના વિસ્તારોના ખેડૂતોને રેલવેએ કરેલી જમીન સંપાદનનું વળતર જલ્દીથી મળે તે મામલે રજૂઆત કરાઇ હતી.
આ ઉપરાંત સાંસદ હેમાંગ જોષીએ વડોદરાના પૂર્વ અને પશ્ચિમ વિભાગને જોડતા મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે અલકાપુરી ગરનાળા ઉપર ઓવર બ્રિજ બનાવવાની પણ ભલામણ કરી હતી. તદ્ઉપરાંત વડોદરાથી દ્વારકા ખાતે અને શિરડી જનારા શ્રધ્ધાળુઓની સંખ્યા મોટા પ્રમાણમાં હોવાથી ઓખા-અમદાવાદ વંદે ભારત ટ્રેનને વડોદરા સુધી લંબાવવા અને વડોદરા-શિરડી વચ્ચે વંદે ભારત ટ્રેન શરૃ કરવા માટે પણ રજૂઆત કરાઇ હતી. તો ધંધા, રોજગાર અને નોકરી માટે અપડાઉન કરતા લોકોની સુવિધા માટે ગોધરા અને વડોદરા વચ્ચે આવેલા અલીન્દ્રા સ્ટેશન પર ટ્રેનોને સ્ટોપેજ આપવા પણ રજૂઆત થઇ હતી.