વિદ્યાર્થીઓને ઉદ્યોગોમાં ઓડિટ અને ઈન્ટર્નશિપની તક મળશે, એમ.એસ.યુનિવર્સિટી અને લઘુ ભારતી વચ્ચે MOU

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
વિદ્યાર્થીઓને ઉદ્યોગોમાં ઓડિટ અને ઈન્ટર્નશિપની તક મળશે, એમ.એસ.યુનિવર્સિટી અને લઘુ ભારતી વચ્ચે MOU 1 - image

વડોદરા,તા.19 માર્ચ 2024,મંગળવાર

એમ.એસ.યુનિવર્સિટી અને ઉદ્યોગોના સંગઠન લઘુ ઉદ્યોગ ભારતી વચ્ચે એમઓયુ થયા બાદ એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વડોદરા અને તેની આસપાસના હજારો ઉદ્યોગોમાં ઈન્ટર્નશિપથી માંડીને બીજી ઘણી તકો ઉપલબ્ધ થશે.

લઘુ ઉદ્યોગ ભારતીના ઉપક્રમે અલગ અલગ ઉદ્યોગોના 50 જેટલા પ્રતિનિધિઓ અને યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તેમજ બીજા અધિકારીઓ તથા ફેકલ્ટી ડીન્સની હાજરીમાં યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે એક બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ પાસા પર ચર્ચા થઈ હતી.

લઘુ ઉદ્યોગ ભારતીના વડોદરાના પ્રમુખ વિરલ ચૌધરીના કહેવા પ્રમાણે આગામી દિવસોમાં નંદેસરી જીઆઈડીસીના ઉદ્યોગો ઓડિટ માટે એમ.એસ.યુનિવર્સિટીના અધ્યાપકો અને વિદ્યાર્થીઓની મદદ લેશે. સાથે સાથે આ બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે કોમર્સના વિદ્યાર્થીઓને એકાઉન્ટિંગ સોફટવેરની તાલીમ પણ વિના મૂલ્યે આપવામાં આવશે તથા વિદ્યાર્થીઓને આ સોફટવેર પણ અપાશે.

બેઠકમાં ઉદ્યોગોની જરુરિયાત પ્રમાણે કેવી રીતે અભ્યાસક્રમ બનાવી શકાય, કેસ સ્ટડીઝ, ઈન્ડસ્ટ્રીયલ વિઝિટ પર ચર્ચા થઈ હતી. વિદ્યાર્થીઓને ઉદ્યોગો વતી પ્રોજેકટસ પણ આપવાનુ અને ઉદ્યોગોની જે સમસ્યાઓ છે તેના ઉકેલ માટે યુનિવર્સિટીની મદદ લેવાનુ પણ નક્કી કરાયુ હતુ. સ્ટાર્ટ અપ, પ્લેસમેન્ટ, રિસર્ચ, ડેવલપમેન્ટ પ્રોજેક્ટસમાં લઘુ ભારતી સાથે સંકળાયેલા ઉદ્યોગો મદદ કરશે તેવી ચર્ચા આ બેઠકમાં થઈ હતી. વિવિધ ઉદ્યોગોમાં વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપ પણ તક આપવામાં આવશે.


Google NewsGoogle News