Get The App

ભાજપમાં જોડાયેલા અને દેડિયાપાડાના માજી MLAના પુત્ર સાથે વિધર્મી યુવતીએ પ્રેમલગ્ન કરતાં માતા-પિતાનો ત્રાસ

ગૌરવ સાથે પ્રેમ હોવાની જાણ થતાં જ ફૈઝા પર ત્રાસ ગુજારવાનું શરૃ કર્યું ઃ માતા-પિતા સામે જ પુત્રીની ફરિયાદ

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
ભાજપમાં જોડાયેલા અને દેડિયાપાડાના  માજી MLAના પુત્ર સાથે વિધર્મી યુવતીએ પ્રેમલગ્ન કરતાં માતા-પિતાનો ત્રાસ 1 - image

ઝઘડિયા/ભરૃચ તા.૨૬ દેડિયાપાડાના માજી ધારાસભ્ય મહેશ વસાવાના પુત્ર ગૌરવ સાથે પ્રેમલગ્ન કરનાર મુસ્લિમ પરિવારની યુવતીને તેના માતા અને પિતા ત્રાસ આપી મારઝૂડ કરી ધમકીઓ આપતા  હોવાની ફરિયાદ ખુદ યુવતીએ તેના માતા અને પિતા સામે નોંધાવતા ભરૃચ અને નર્મદા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.

ઝઘડિયા તાલુકાના ધારોલી ગામની મૂળ વતની પરંતુ હાલ પતિ ગૌરવ મહેશભાઇ વસાવા સાથે માલજીપુરામાં રહેતી ફૈઝાએ તેના પિતા મોહમંદ મુનાફ શેખ અને માતા મુન્તશીરા સામે ઝઘડિયા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મને ગૌરવ સાથે ત્રણ વર્ષ કરતાં વધારે સમયથી પ્રેમસંબંધ હતો અને એક માસ અગાઉ મેં મારી મરજીથી ગૌરવ સાથે પ્રેમલગ્ન કર્યા છે.

કોરોના દરમિયાન હું ગૌરવ સાથે મોબાઇલ પર વાતચીત કરતી હતી ત્યારે માતા જોઇ જતાં તેની જાણ મારા પિતાને કરી હતી. બાદમાં પિતા ગુસ્સે થઇને મારા માથાના વાળ પકડી મારઝૂડ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને મારો મોબાઇલ પણ તોડી નાંખ્યો  હતો. મારા ગૌરવ સાથેના પ્રેમલગ્નની જાણ થતાં માતા અને પિતા અવારનવાર માનસિક તેમજ શારીરિક રીતે હેરાન કરતાં હતા. કેટલીક વખત જમવાનું નહી આપી ઘરની બહાર પણ નીકળવા દેતા ન હતાં.

મારો મોબાઇલ મારા પિતાએ તોડી નાંખતા ગૌરવે મને ચોરીથી મોબાઇલ પહોંચાડયો  હતો અને ગૌરવ સાથે ચોરીછૂપીથી વાત કરતી હતી. મારા માતા અને પિતાના ત્રાસથી કંટાળી ગૌરવને ફોન કરી લેવા માટે બોલાવ્યો હતો જેથી તા.૨૩ ઓગસ્ટના રોજ ગૌરવ તેની ગાડી લઇને તેના મિત્ર સાથે આવ્યો હતો અને મને તેની ગાડીમાં  બેસાડીને લઇ જઇ મહાદેવના મંદિરે ફૂલહાર કર્યા હતા અને બાદમાં વડોદરા ખાતે હિન્દુ ધર્મ મુજબ લગ્ન કર્યા હતાં.




Google NewsGoogle News