લોખંડના તાર પર કપડાં સૂકવતી વખતે કરંટ લાગતા માતા અને પુત્રીનું મોત
image : Freepik
વડોદરા,તા.19 સપ્ટેમ્બર 2023,મંગળવાર
પાદરા તાલુકાના ધોબીકુવા ગામે રહેતા પઢિયાર પરિવારે કપડાં સૂકવતી વખતે વીજ કરંટ લાગતા એક સાથે મા અને દીકરી બંનેને ગુમાવ્યા હોવાથી નાનકડા ગામમાં ગમગીની છવાઈ છે. જ્યારે વાઘોડિયા તાલુકાના જરોદ ગામમાં વીજ કરંટથી પશુનું મોત થયું છે.
પાદરા તાલુકાના ધોબી કુવા ગામના સીમ વિસ્તારમાં રહેતા છત્રસિંહ ભારતસિંહ પઢિયાર વ્યવસાયે ખેતી કામ કરે છે. બપોરે 1:30 વાગ્યે છત્રસિંહના પત્ની ઉષાબેન પોતાના ઘરે કપડાં ધોઈ રહ્યા હતા. તે સમયે તેમની 19 વર્ષની દીકરી નયનાબેન રસોઈ કરીને મમ્મી પાસે આવી હતી. માતાએ તેને ધોયેલા કપડાં સુકવવા માટેનું કહ્યું હતું. વરસાદી માહોલમાં નયનાબેન કપડાં સૂકવવા માટે લોખંડના તાર પાસે ગયા હતા. અને કપડાં સૂકવવા લાગ્યા હતા. દરમિયાન ઉષાબેન પણ તેમની મદદથી આવ્યા હતા. એ સમયે અચાનક બંનેને વીજ કરંટ લાગતા એક ઝાટકા સાથે બંને ફંગોળાઈને જમીન પર પડ્યા હતા. તેને કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા પાડોશમાં જ રહેતા દલપતસિંહ પઢિયાર એમને સારવાર માટે મહુવાડ ચોકડી પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં બંનેનો મોત નીપજ્યું હતું.
વરસાદી માહોલમાં કપડાં સૂકવતી વખતે ધ્યાન નહીં રાખવાથી બનતા બનાવ અંગે લાલ બત્તી સમાન આ કિસ્સો છે. વડુ પોલીસે જરૂરી કાર્યવાહી કરી આગળની તપાસ શરૂ કરી છે.
વાઘોડિયા તાલુકાના જરોદના રાજપુત ફળિયામાં રહેતા અને પાન પાર્લર ચલાવતા 36 વર્ષીય સુરેન્દ્રસિંહ ઉર્ફે બંટી ગિરવતસિંહ ચૌહાણની દુધાળી ભેંસ આસોજ વીજ સબ ડિવિઝનના ટ્રાન્સફોર્મર પાસેથી પસાર થતી હતી ત્યારે જમીનમાં ઉતરેલા વીજ કરંટથી મોત નીપજયું હતું.