મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ વડોદરા પોલીસના રેકર્ડ પર પણ વોન્ટેડઃ ફાયરિંગ થતાં સિવિલમાં રખાયો હતો
વડોદરાઃ પાકિસ્તાનમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઇ રહેલો ભારતનો મોસ્ટ વોન્ટેડ ગુનેગાર માફિયા ડોન દાઉદ ઇબ્રાહીમ જુન-૧૯૮૩માં ં બનેલા બનાવમાં આજે પણ વડોદરા પોલીસના રેકર્ડ પર વોન્ટેડ છે.દાઉદને જ્યારે પણ ભારતમાં લવાય તો તેને વડોદરાના ગુનામાં લાવવો પડે તેમ છે.
મળતી માહિતી મુજબ,માફિયા ડોન દાઉદ અંધારી આલમમાં પ્રવેશ્યો ત્યારે તેના જૂથની દુશ્મની આલમઝેબ જૂથ સાથે ચાલતી હતી.અમદાવાદ એક કામ માટે જઇ પરત ફરતો હતો ત્યારે તેના પર મકરપુરા વિસ્તારમાં ફાયરિંગ થયું હતું.એમ પણ કહેવાય છે કે,આલમઝેબ પર તેમજ દાઉદ પર સામસામે ફાયરિંગ થયું હતું.આ બનાવમાં દાઉદ પણ ઘવાયો હતો અને પોલીસે ઇજાગ્રસ્ત દાઉદને સયાજી હોસ્પિટલના બી-૧ વોર્ડમાં દાખલ કર્યો હતો.
દાઉદને જોવા માટે દાણચોરીમાં મોટું નામ ધરાવતા લલ્લુ જોગી અને તેના માણસો ઇમ્પોર્ટેડ કારો લઇને સયાજી હોસ્પિટલમાં આવ્યા હોવાની વિગતોને પગલે પોલીસે વોચ રાખી હતી.આ પૈકી એક શખ્સ હોસ્પિટલમાંથી રિવોલ્વર સાથે પકડાયો હતો.જ્યારે તેની પૂછપરછ બાદ બીજા બે સાગરીતો સયાજીગંજની હોટલમાંથી પકડાયા હતા.
પોલીસે હોટલમાંથી ૩ રિવોલ્વર અને ૨ પિસ્તોલ કબજે કરી રાવપુરા અને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધ્યા હતા.ઉપરોક્ત બનાવમાં પોલીસ રેકર્ડ પર દાઉદનું નામ ખૂલ્યું હતું.પરંતુ ત્યારબાદ તે કોર્ટમાં હાજર થતો જ નહિં હોવાથી આજે પણ વોન્ટેડ છે.
ઇમ્પોર્ટેડ કાર જોવા રાવપુરામાં ટોળા જામતા હોઇ કાર સયાજીગંજમાં મુકાઇ હતી
દાઉદ ઇબ્રાહીમ અને તેના સાગરીતો પકડાયા ત્યારે તેમની પાસે પોલીસે ઇમ્પોર્ટેડ કાર કબજે કરી હતી.
આધારભૂત વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ,દાઉદ અને તેના સાગરીતોની ઇમ્પોર્ટેડ કાર રાવપુરા પોલીસ સ્ટેશનની બહાર રખાઇ ત્યારે લોકોના ટોળાં ઉમટતા હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી.
જેથી પોલીસે આ તમામ કાર સયાજીગંજ પોલીસ સ્ટેશન નજીક રાખી હતી અને ત્યાં પણ લોકોના ટોળાં જામતા હતા.આ કેસમાં લલ્લુ જોગીનું પણ નામ ખૂલતાં તેને વડોદરાની કોર્ટમાં લવાયો હતો.તેના ૧૪ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા.જે રિમાન્ડ કોર્ટે રિજેક્ટ કર્યા હતા.
લલ્લુ જોગીનો ફોટો લેવા ફોટોગ્રાફરે દાઉદને દૂર હડસેલ્યો હતો
વડોદરાની કોર્ટમાં વર્ષ-૧૯૮૩ દરમિયાન દાઉદની સામે થયેલા કેસમાં લલ્લુ જોગીનું પણ નામ ખૂલતાં તત્કાલિન પોલીસ કમિશનર પી.કે.દત્તાની નિગરાણીમાં કેસની તપાસ કરવામાં આવી હતી.આ વખતે લલ્લુ જોગી પટેલની બોલબાલા હતી અને દાઉદ સાગરીત હતો.લલ્લુ જોગી તરફે વકીલ રાજેન્દ્ર ત્રિવેદી હતા.તેમણે વાતચીતમાં કહ્યું હતું કે,આ વખતે દાઉદને કોઇ ઓળખતું પણ નહતું.લલ્લુ જોગીનો ફોટો લઇ રહેલા એક ફોટોગ્રાફરે વચ્ચે નડતર બનતા દાઉદને દૂર હડસેલી લલ્લુ જોગીનો ફોટો લીધો હતો.