વિચિત્ર છબરડો, આર્કિટેકચર વિભાગની પરીક્ષામાં વિદ્યાર્થીઓને અડધો કલાક વધારે મળી ગયો
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં હાલમાં પરીક્ષાઓ ચાલી રહી છે અને તેમાં ટેકનોલોજી ફેકલ્ટીના આર્કિટેકચર વિભાગનો પણ સમાવેશ થાય છે.આ પરીક્ષામાં આજે વિચિત્ર છબરડો સર્જાયો હતો.
વિદ્યાર્થીઓ ઘણી વખત કહેતા હોય છે કે, અમારુ પેપર સમય કરતા પહેલા અમારી પાસેથી લઈ લેવાયુ હતુ પણ આર્કિટેકચર વિભાગના એફવાયના વિદ્યાર્થીઓના બીજા સેમેસ્ટરની પરીક્ષા દરમિયાન સુપર વાઈઝરની ગેરસમજના કારણે વિદ્યાર્થીઓને પેપર લખવા માટે અડધો કલાકનો વધારોનો સમય મળી ગયો હતો.
મળતી માહિતી પ્રમાણે આર્કિટેકચર વિભાગના એક વર્ગમાં લગભગ ૨૫ થી ૩૦ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ રહી હતી.આ પૈકી કેટલાક વિદ્યાર્થીઓ જૂના કોર્સ પ્રમાણે પરીક્ષા આપી રહ્યા હોવાથી તેમનુ પેપર ત્રણ કલાકનુ હતુ અને બીજા કેટલાક વિદ્યાર્થીઓનુ નવા કોર્સ પ્રમાણે બે કલાકનુ પેપર હતુ.
આ બાબત સુપરવાઈઝરના ધ્યાન બહાર નીકળી ગઈ હતી અને બે કલાક બાદ પણ વિદ્યાર્થીની ઉત્તરવાહીઓ પાછી લેવાઈ નહોતી. અડધો કલાક બાદ સુપરવાઈઝરે આખરી પૂરવણી લેવા માટેનો કોલ આપ્યો ત્યારે કોઈ વિદ્યાર્થીએ તેમનુ ધ્યાન દોર્યુ હતુ અને એ પછી બે કલાકની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ ઝડપથી પાછી લેવામાં આવી હતી.જોકે ત્યાં સુધીમાં વિદ્યાર્થીઓને વધારાનો અડધો કલાક મળી ગયો હતો.
આ પહેલા પરફોર્મિંગ આર્ટસમાં સર્જાયેલા છબરડામાં બીજા સેમેસ્ટરની પરીક્ષામાં પહેલા સેમેસ્ટરના પ્રશ્નો પૂછી નાંખવામાં આવ્યા હતા.