હજારો સોસાયટીઓ પાણીમાં ત્યારે ચાર દરવાજા વિસ્તારમાં ગણતરીના કલાકોમાં પાણી ઉતરી ગયા, રાબેતા મુજબ અવર જવર
Old Vadodara Drainage System: શહેરના 50 ટકા વિસ્તારોમાં વિશ્વામિત્રીના પૂરના પાણી પ્રવેશી ગયા છે. સોસાયટીઓમાંથી ગઈકાલે પડેલા વરસાદના પાણી ઉતર્યા નથી ત્યારે શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આજે રાબેતા મુજબ અવર જવર જોવા મળી હતી.
નવા વડોદરા શહેરમાં વિકાસના નામે આડેધડ બાંધકામો કરીને પાણીના નિકાલ માટેની વ્યવસ્થાનું ધ્યાન રખાયું નથી, તેમજ વરસાદી કાંસો પણ પૂરી દેવામાં આવ્યા છે ત્યારે જૂના વડોદરા શહેરમાં ભારે વરસાદ પડ્યા પછી પણ પૂરના પાણી ઉતરી ગયા છે.
ચાર દરવાજા વિસ્તારની મોટાભાગની પોળોમાં અને પાણીગેટથી માંડવી, ન્યાય મંદિર જવાના અને રાવપુરા રોડ સુધીના તમામ રસ્તાઓ પર આજે સહેજ પણ પાણી જોવા મળ્યું નહોતું. આ રસ્તાઓ પર રોજની જેમ જ વાહન ચલાવી શકાય તેવી સ્થિતિ હતી. જૂના વડોદરા શહેરનું બાંધકામ એ રીતે કરાયું છે કે, વરસાદનું પાણી ગટરમાં વહી જાય. પોળોમાં ઢાળ પણ એ પ્રમાણે આપવામાં આવ્યા છે જેના કારણે જ ગઈકાલે બાર ઇંચ વરસાદ પડ્યા પછી પણ ચાર દરવાજા વિસ્તારમાં આજે પાણી જોવા મળતું નહોતું.
વડોદરામાં ભૂતકાળમાં પણ જ્યારે પૂર આવ્યું છે ત્યારે ચાર દરવાજા વિસ્તારમાં પાણી ગણતરીના કલાકોમાં ઉતરી જતાં હોવાનું જોવા મળ્યું છે.