વડોદરા કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 9400 થી વધુ ફોર્મ રિજેક્ટ થતા અરજી ફી પરત આપવાનું શરૂ
400 ઉમેદવારોને 92 હજાર ફી પરત આપી
ફી નું રિફંડ લેવા તા. 10 સુધીમાં માત્ર 620 અરજી આવી
કોર્પોરેશને 2 ડિસેમ્બર સુધી મુદત વધારી
વડોદરા, તા. 18 નવેમ્બર 2023 શનિવાર
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં જૂનિયર ક્લાર્ક વર્ગ-3 સંવર્ગની 552 જગ્યા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા ઓક્ટોબર તા.8ના રોજ લેવામાં આવી હતી. આ પરીક્ષા માટે 9400 થી વધુ ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા. તેઓને 22 લાખથી વધુ અરજી ફી પાછી આપી દેવા આવા ઉમેદવારો પાસેથી પોતાના બેંકના એકાઉન્ટની જરૂરી વિગતો તારીખ 10 નવેમ્બર સુધીમાં મંગાવવામાં આવી હતી .કોર્પોરેશનને આ સમય દરમિયાન માત્ર 620 ઉમેદવારોએ આવી વિગતો પૂરી પાડી હતી. જેમાંથી 480 અરજી પ્રોસેસ કર્યા બાદ 400 ઉમેદવારોને રિફંડ તરીકે 92000 ચૂકવવામાં આવ્યા છે. હજુ પણ જે લોકોએ અરજી ફી પરત મેળવવા વિગતો પૂરી પાડી નથી તેવા ઉમેદવારોને કોર્પોરેશન દ્વારા છેલ્લી તક આપવામાં આવી છે અને હવે તા 18 થી 2 ડિસેમ્બર સુધી બેંક એકાઉન્ટની જરૂરી વિગતો પૂરી પાડી દેવા જણાવવામાં આવ્યું છે. જો આ સમય મર્યાદામાં વિગતો નહીં અપાય તો કોર્પોરેશન અરજી ફી પરત કરશે નહીં તેવી સૂચના આપવામાં આવી છે. કોર્પોરેશનની વેબસાઈટ ઉપર લીંક ફોર જુનિયર ક્લાર્ક એપ્લિકેશન ફી રિફંડ માં આ વિગતો પૂરી પાડવા કહ્યું છે, અને જેના આધારે ફી કોર્પોરેશન પરત આપી રહી છે . કોર્પોરેશન દ્વારા પરીક્ષા માટે જે તે સમયે અરજીઓ મંગાવી ત્યારે રાજ્યભરમાંથી 1,35,793 ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભર્યા હતા .ઓનલાઇન અરજી કરનારા ઉમેદવારો પૈકી 1,18,746 ઉમેદવારોએ ફોર્મની સાથે 2,67, 73,200 ફી તરીકે ભરેલા હતા .જ્યારે 17,047 ઉમેદવારો દ્વારા ફી ભરાઈ ન હતી. પ્રાથમિક પ્રાથમિક ચકાસણી કરતા 1,09,307 ઉમેદવારો માટે પરીક્ષા નું આયોજન કરાયું હતું. પ્રાથમિક ચકાસણીમાં ઓનલાઈન અરજી કરનાર 9,454 ઉમેદવારો તથા ઓફલાઈન અરજીના 13 ઉમેદવારોના ફોર્મ શૈક્ષણિક લાયકાત ના આધારે રદ કરવામાં આવ્યા હતા. અનામત ઉમેદવાર માટે 400 અને બિન અનામત માટે 200 રૂપિયા અરજી ફી રાખવામાં આવી હતી.