વડોદરાની ૫૦ ઉપરાંત સ્કૂલોને ઝીરો ગ્રાન્ટની જગ્યાએ ૧૦૦ ટકા ગ્રાન્ટ મળશે
વડોદરાઃ રાજ્ય સરકારે બોર્ડ પરીક્ષામાં ઓછુ પરિણામ હોય તેવી ગ્રાન્ટેડ સ્કૂલોની નિભાવ ગ્રાન્ટમાં કાપ મુકવાનો અથવા તો ઝીરો ગ્રાન્ટ આપવાની નીતિ રદ કરી નાંખી છે.જેના કારણે વડોદરા શહેર જિલ્લાની પચાસ કરતા વધારે ગ્રાન્ટેડ સ્કૂલોને ફાયદો થશે.
સરકારે આજે પોતાના પરિપત્રમાં કહ્યુ છે કે, તમામ ગ્રાન્ટેડ સ્કૂલોને ૧૦૦ ટકા ગ્રાન્ટ આ વર્ષથી આપવામાં આવશે.પરિણામ આધારિત ગ્રાન્ટની નીતિ રદ કરવામાં આવી છે.
શહેર શાળા સંચાલક મંડળના પ્રમુખ આર સી પટેલે કહ્યુ હતુ કે, વડોદરામાં ૫૦થી વધારે સ્કૂલો એવી છે જેને બોર્ડ પરીક્ષામાં ૩૦ ટકા કરતા ઓછા પરિણામના કારણે ઝીરો નિભાવ ગ્રાન્ટ મળતી હતી.આ નીતિ દૂર કરવા માટે અમે સંખ્યાબંધ વખત રજૂઆત કરી હતી.કારણકે શાળાઓને મળતી નિભાવ ગ્રાન્ટનો ઉપયોગ સ્કૂલના વહિવટી ખર્ચ માટે થતો હોય છે.તેને શિક્ષણ સાથે કે તેની ગુણવત્તા સાથે લેવા દેવા નથી.આમ સ્કૂલોને પરિણામ આધારિત ગ્રાન્ટની નીતિના કારણે અન્યાય થતો હતો પણ હવે આ અન્યાય અટકશે અને તમામ સ્કૂલોને ૧૦૦ ટકા ગ્રાન્ટ મળશે.