વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 364 થી વધુ દિવ્યાંગ બાળકોને સહાય સાધનો અપાયા
- સાધનોના ઉપયોગથી બાળકને શું ફાયદો થયો તેનું છ મહિના બાદ મૂલ્યાંકન કરાશે
વડોદરા,તા.06 માર્ચ 2024,બુધવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ પૈકી કારેલીબાગ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સમગ્ર શિક્ષા આઈડી યુનિટ દ્વારા દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. શિક્ષણ સમિતિના કુલ 364 થી વધુ દિવ્યાંગ બાળકોએ કેમ્પનો લાભ લીધો હતો. જેમાં મંદ બુદ્ધિ ધરાવતા કુલ 210 વિદ્યાર્થીઓ,શ્રવણ ક્ષતિ ધરાવતા 45 વિદ્યાર્થીઓ,શારીરિક દિવ્યાંગતા ધરાવતા 56, દ્રષ્ટિ ક્ષતિ ધરાવતા 15 અને અન્ય દિવ્યાંગતા ધરાવતા 38 વિદ્યાર્થીઓએ કેમ્પમાં ભાગ લીધો હતો. અને આ તમામ વિદ્યાર્થીઓને તેમની જરૂરિયાત મુજબ સાધનો આપવામા આવ્યા હતા. જેમાં વ્હીલ ચેર, સીપી ચેર, ટ્રાઈસિકલ, કાનમાં સાંભળવાનું મશીન, વોકર, બ્રેઇલ કીટ વગેરે સાધનો આપવામાં આવ્યા હતા. કયા વિદ્યાર્થીને કયા સાધનની જરૂર છે તેની તપાસ કરીને અપાયા હતા. આ સાધનોના ઉપયોગ બાદ વિદ્યાર્થીને આ સાધનથી શું ફાયદો થયો છે તેનું છ મહિના બાદ મૂલ્યાંકન કરવામાં આવશે અને ત્યારબાદ ફરી અસેસમેન્ટ કરેલ વિદ્યાર્થીઓને પુનઃ તેમની જરૂરિયાત મુજબ સાધનો આપવામાં આવશે.