For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદમાં 30થી વધુ શાળાઓને બોંબથી ઉડાવી દેવાની ધમકી અપાઇ

લોકસભાની ચૂંટણી પૂર્વે ભય ફેલાવવાનો બદઇરાદો

ચોક્કસ ડોમેઇન પરથી સવારે ઇમેઇલ આવ્યાઃ તપાસ દરમિયાન કોઇ વાંધાજનક ચીજવસ્તુઓ મળી ન આવીઃ દિલ્હીની પેટર્નથી ઇમેઇલ આવ્યા

Updated: May 6th, 2024

અમદાવાદમાં 30થી વધુ શાળાઓને બોંબથી ઉડાવી દેવાની ધમકી અપાઇઅમદાવાદ,સોમવાર

અમદાવાદ શહેરમાં  મતદાનના દિવસ પહેલાં જ મતદાન બુથ સહિતની 30થી વધુ સ્કૂલોમાં  ઇમેઇલ કરીને શાળાઓને  બોંબથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઇમેઇલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. જેથી અમદાવાદ ક્રાઇમબ્રાંચ , સ્થાનિક પોલીસ અને બોંબ ડીસ્પોઝલ સ્ક્વોડ દ્વારા વિવિધ શાળાઓમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. જો કે કોઇ વાંધાનજક ચીજવસ્તુઓ મળી આવી નહોતી. થોડા દિવસ પહેલા દિલ્હીની ૧૫૦થી વધુ શાળાઓમાં ઇમેઇલ કરીને બોંબ મુકાયાની ધમકી આપવામાં આવી હતી.  અમદાવાદની શાળાઓમાં આવેલો ઇમેઇલ દિલ્હીની પેટર્નનો હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ સાથે રાજ્યના અન્ય શહેરોની પોલીસને પણ એલર્ટ કરવામાં આવી છે.

અમદાવાદમાં આવેલી વિવિધ ખાનગી શાળાઓમાં સોમવારે સવારે છ વાગ્યાથી ધમકી ભર્યા ઇમેઇલ આવ્યા હતા.  જેમાં  સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી આપવામાં અપાઇ હતી. તબક્કાવાર બપોર સુધીમાં આ ઇમેઇલ ૨૩ જેટલી શાળાઓમાં આવ્યા હતા. જેના પગલે પોલીસ કમિશનર જી એસ મલિક  દ્વારા તાત્કાલિક ક્રાઇમબ્રાંચ, એસઓજી , સાયબર ક્રાઇમ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ મામલે વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરવાની સુચના આપી હતી. જેમાં બોંબ ડીસ્પોઝલ સ્ક્વોડ અને પોલીસ સ્ટાફ દ્વારા સ્કૂલમાં કલાકો સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં  કોઇ વાંધાજનક ચીજવસ્તુઓ મળી આવ્યું નહોતું. ૨૩ સ્કૂલ પૈકી કેટલીક શાળાઓમાં મંગળવારે  મતદાન હોવાથી  પોલીસ દ્વારા બંદોબસ્તમાં વધારો કરવામાં આવ્યો છે.

Article Content Imageઆ અંગે અમદાવાદ ક્રાઇમબ્રાંચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે  આ ધમકી ભર્યા ઇમેઇલ ચૂંટણી પૂર્વ મોકલીને ભય ફેલાવવાનો હેતુ હોવાનું પ્રાથમિક દ્રષ્ટ્રિએ જાણવા મળ્યું છે. ચોક્કસ ડોમીઇન મોકલવામાં આવેલા તમામ ઇમેઇલ એક જ પ્રકારના છે અને તે દિલ્હી પેટર્નના હોવાનું ખુલ્યું છે. જેથી સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ટેકનીકલ સર્વલન્સના આધારે વિશેષ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સાથેસાથે પોલીસે અપીલ કરી છે કે આ ધમકી ભર્યા ઇમેઇલ વાતાવરણ ડહોળવા અને ચૂંટણીની કામગીરીને અસર પહોંચે તે માટે કરવામાં આવ્યા હોવાથી કોઇએ ગભરાવવાની જરૂર નથી અને શહેર પોલીસ દ્વારા સુરક્ષાને લઇને તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ખાસ કરીને કેટલીક શાળાઓમાં મગંળવારે મતદાન હોવાથી  તે શાળાઓમા બંદોબસ્ત વધુ સઘન બનાવવામાં આવશે. જ્યારે ક્રાઇમબ્રાંચના ડીસીપી અજીત રાયજને જણાવ્યું કે પોલીસ વિભાગ આ મામલે શિક્ષણ વિભાગ તેમજ વિવિધ શાળાઓના સંપર્કમાં છે. બોંબની  ધમકીનો ઇમેઇલ ચોક્કસ સર્વર પરથી અમદાવાદની અન્ય શાળાઓમાં પણ મળ્યાની શક્યતા છે.જેથી બોંબ ડીસ્પોઝલ અને ડોગ સ્ક્વોડની વિવિધ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવશે.

 વીવીઆઇપી અને નેતાઓના મતદાનને પગલે કેન્દ્રીય એજન્સીઓમાં દોડધામ


અમદાવાદમાં મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાણીપથી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા થી તેમજ આનંદીબેન પટેલ ઘાટલોડીયાથી મતદાન કરવાના છે. આ સાથે ગુજરાતના મોટા ઉદ્યોગપતિઓ પણ મતદાન કરવાના છે. જેથી ધમકી ભર્યા ઇમેઇલને કારણે અમદાવાદ પોલીસ તેમજ એનએસજી, એસપીજી , આઇબી સહિત કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને જે શાળાઓમાં બોંબની ધમકી મળી છે. ત્યાં તપાસ કરવામાં આવી હતી.

ખાસ સર્વરથી કાર્ડ વેબથી ઇમેઇલ કરાયાની આશંકા

અમદાવાદના વિવિધ શાળાઓમાં આવેલા ઇમેઇલ અંગે પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ ઇમેઇલ  ખાસ સર્વરથી તૈયાર કરવામાં આવેલા ડોમેઇનથી ડાર્ક વેબની મદદથી મોકલાયા છે. જેથી તેને ટેકનીકલી ટ્રેક કરવામાં લાંબો સમય જાય છે. દિલ્હી અને અમદાવાદમાં આવેલા ધમકીના ઇમેઇલ એક જ ડોમેઇન પરથી આવ્યા  છે.

Gujarat