આદિવાસીઓના કલ્પવૃક્ષ મહુડાનાં જાબુઘોડા, શિવરાજપુર અને રત્નમહાલના જંગલોમાં 26 હજારથી વધુ વૃક્ષો
- મહુડાના ફૂલના વેચાણથી આ વર્ષે આદિજાતિ સમુદાયના લોકોને રૂ.7 કરોડથી વધુ આવક મળવાનો અંદાજ
વડોદરા તા.21 એપ્રિલ 2022,ગુરૂવાર
મધ્ય ગુજરાતની આદિવાસી પૂર્વ પટ્ટીના જંગલોનું મુખ્ય વૃક્ષ કદાચ મહુડો છે. આ જંગલોમાં ખૂબ મોટા પ્રમાણમાં આદિજાતિ માટે કલ્પવૃક્ષ ગણાતા મહુડાના સદા હરિત વૃક્ષો આવેલા છે.
મહુડાના ફૂલ વીણવાની મોસમ હાલમાં ચાલી રહી છે અને તે પછી જૂન જુલાઈમાં એના ફળ જે ડોળીના નામે ઓળખાય છે અને સારું પોષણ મૂલ્ય ધરાવતું તેલ આપે છે, તેની મોસમ આવશે.ઘેઘૂર મહુડા ઉનાળાની બપોરે લીમડાની છાયા કરતાં પણ વધુ શીતળતા આપે છે. ખૂબ મીઠી સુગંધથી મહેકતા એના ફૂલ ખૂબ ઊંચું પોષણ મૂલ્ય ધરાવે છે.આ ફૂલની ઔષધીય ઉપયોગિતા પણ છે. સદા હરિયાળો રહેતો મહુડો અનેક પક્ષીઓ માટે ઘરની ગરજ સારે છે.મહુડા ના ફૂલ ઇન્ડિયન સ્લોથ બિઅર એટલે કે ભારતીય પ્રજાતિના રીંછ માટે મીઠાઈ સમાન છે. એટલે જ એને કલ્પવૃક્ષની ઉપમા આપવામાં આવી છે.
વન્ય જીવ વિભાગ,વડોદરાએ એના હેઠળ આવતા જાંબુઘોડા, રતન મહાલ અને શિવરાજપુર રેન્જમાં બધું મળીને કુલ 26 હજારથી વધુ મહુડાના વૃક્ષો હોવાનો અંદાજ બાંધ્યો છે.તેમાં જંગલ વિસ્તારમાં આવેલા અને તે સિવાયના મહેસૂલી વિસ્તારમાં આવેલા વૃક્ષોનો સમાવેશ થાય છે.કદાચ પ્રત્યેક 200/300 મીટરના અંતરે આ વિસ્તારમાં ઘેઘૂર મહુડા આવેલા છે એવું કહી શકાય.
એક કિલોગ્રામ મહુડાના ફૂલનો સરેરાશ બજાર ભાવ રૂ.30 મૂકીએ તો 16060 વૃક્ષો અંદાજે 16 લાખ કિગ્રાથી વધુ મહુડાના ફૂલ આપે.આમ,જાંબુઘોડા રેન્જમાં જ આ મોસમમાં મહુડાના ફૂલની વીનાઈ થી રૂ.4 કરોડ 81 લાખથી વધુ પૂરક આવક લોકોને મળે તેવી શક્યતા દેખાય છે.
રતન મહાલના જંગલમાં અંદાજે 8 હજાર જેટલાં મહુડા વૃક્ષો છે જેમાં થી અંદાજે 8 લાખ કી.ગ્રા. મહુડા ફૂલનો ઉતાર મળવાનો અંદાજ મૂકી શકાય.જે રૂ.2.40 કરોડથી વધુ આવક આપી શકે.
જ્યારે શિવરાજપૂર રેન્જમાં 2418 જેટલાં મહુડાના વૃક્ષો જંગલ વિસ્તાર અને મહેસુલી વિસ્તારમાં હોવાની શક્યતા છે જેમાં થી આ મોસમમાં 2.47 લાખ કિગ્રા જેટલા મહુડા ફૂલ મળવાનો અંદાજ બાંધી શકાય જે રૂ.74 લાખથી વધુની પૂરક આવક આપી શકે.
આમ, આ ત્રણેય વિસ્તારમાં આવેલા 26 હજાર કરતાં વધુ મહુડા વૃક્ષો વન બંધુઓને આ મોસમમાં રૂ.7 કરોડથી વધુ રકમની પૂરક આવક આપશે તેવો અંદાજ છે.
ફૂલની મોસમ પૂરી થયાં પછી જૂનમાં ફળની મોસમ આવશે ત્યારે તેના પર ફળ બેસશે જેને ડોળી તરીકે ઓળખવામાં આવે છે.
આ ડોળીના પિલાણથી સારું પોષણ મૂલ્ય ધરાવતું ખાદ્ય તેલ મળે છે.આદિવાસીઓ તેને ડોળીનું ઘી પણ કહે છે. પિલાણના અંતે વધતો કુચો(ખોળ) પોષક ખાતર તરીકે ખેતીમાં ઉપયોગી છે. આમ,મહુડાનું ઝાડ કમાઉ દીકરા જેવું બની રહે છે.