આજે દેવ દિવાળીએ નીકળનારા ભગવાન નરસિંહજીના વરઘોડા નિમિત્તે 2000 થી વધુ પોલીસ તૈનાત
વડોદરાઃ આવતીકાલે દેવ દિવાળી નિમિત્તે ભગવાન નરસિંહજીના નીકળનારા પારંપારિક વરઘોડાને પગલે પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે.
વર્ષોની પરંપરા જાળવતો નરસિંહજીના વરઘોડો માંડવી પાસેના નરસિંહજીના મંદિરેથી વાજતેગાજતે નીકળી તુલસીવાડી ખાતે પહોંચે છે અને ત્યાં તુલસી વિવાહ થયા બાદ પરોઢિયે વરઘોડો પરત ફરે છે.
શહેરના અતિ સંવેદનશીલ વિસ્તારોમાંથી વરઘોડો પસાર થતો હોવાથી પોલીસ કમિશનર દ્વારા પુરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.એસઆરપીની એક કંપની અને ૧૦૦ જવાનોને બંદોબસ્ત માટે ફાળવવામાં આવ્યા છે.
આ ઉપરાંત ડીસીપી પન્ના મોમાયાના ઝોનમાં વરઘોડો આવતો હોવાથી તેમણે શાંતિ સમિતિના આગેવાનો સાથે પણ મીટિંગ કરી હતી.વરઘોડાના રૃટને જુદાજુદા સેક્ટરમાં વિભાજીત કરીને અધિકારીઓને દરેક સેક્ટરની જવાબદારી આપવામાં આવી છે.
ડીસીપી એ કહ્યું હતું કે,વરઘોડા દરમિયાન ૫ ડીસીપી,૮ એસીપી, ઉપરાંત બહારથી આવેલા ૨૦ પીએસઆઇ,ટ્રાફિક બ્રિગેડ,હોમગાર્ડ જવાનો, મહિલા પોલીસ સહિત ૨૦૦૦ થી વધુ જવાનો તૈનાત રહેશે.ડીપ અને હાઇરાઇઝ પોઇન્ટ પણ ગોઠવવામાં આવ્યા છે.જ્યારે,બોડીવોર્ન કેમેરા પણ ઉપયોગી રહેશે.