Get The App

ગાંધીનગર જિલ્લામાં ક્ષયના ચાર વર્ષમાં ૧૨ હજારથી વધુ દર્દી મળ્યાં

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
ગાંધીનગર જિલ્લામાં ક્ષયના ચાર વર્ષમાં ૧૨ હજારથી વધુ દર્દી મળ્યાં 1 - image


આજે વર્લ્ડ ટીબી ડે : ક્ષયમુક્ત ગામ અને જિલ્લો કરવા મથામણ

હઠીલા ટીબીના બે વર્ષમાં ૮૫ કેસ : ક્યોર રેટ વધીને ૯૧ ટકાએ પહોંચ્યો : પાટનગરમાં ક્ષયના દર્દીઓનો ચિંતાજનક વધારો નોંધાયો

ગાંધીનગર :  ગુજરાત અને ભારતને ક્ષયમુક્ત કરવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. જેના માટે વધુમાં વધુ ક્ષયરોગના દર્દીઓ શોધવા માટે ગ્રામ્યવિસ્તારમાં જઇને ટેસ્ટીંગ વધારી દેવામાં આવ્યું છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કુલ ૧૨ હજારથી પણ વધુ દર્દીઓ ક્ષયના મળી આવ્યા છે. આ રોગ ચેપી હોવાને કારણે તેના દર્દીને ખાસ કાળજી લેવી પડે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાનું માનીએ તો, જર્મન વૈજ્ઞાાનિક ડો.રોબર્ટ કોકેએ તા.૨૪ માર્ચ ૧૮૮૮ના રોજ ટયુબરક્યુલોસીસી બેસીલાઇની શોધ કરી આ શોધની યાદમાં ૨૪મી માર્ચને વિશ્વ ટીબી દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ રોગ જંતુજન્ય અને ચેપી છે.ટીબી મોટે ભાગે ગરીબ, કુપોષિત, એચઆઇવીગ્રસ્ત દર્દી, ડાયાબીટીસના દર્દી, બાળકો, સ્ત્રીઓ, કેદી, ઘરડા માણસ, ડ્રગ યુઝર ,રેફ્યુજીસ, માઇગ્રેટેડ, તમાકું અને આલ્કોહોલનું સેવન કરનારા વ્યક્તિઓને ખાસ થતો હોય છે. ટીબી થયું હોય તે દર્દી મારફતે તેનો જીવાણું અન્ય વ્યક્તિઓને પણ ફેલાઇ શકે છે. એક સંસોધન પ્રમાણે, ભારતમાં દરરોજ ૪૦ હજાર વ્યક્તિઓને ટીબીનો ચેપ લાગે છે. રોજ પાંચ હજાર ટીબીના નવા કેસ પેદા થાય છે. રોજ એક હજારથી વધુ લોકો ભારતમાં મૃત્યુ પામે છે. ભારતમાં રોજ લગભગ દર દોઢ મીનીટે ટીબીના કારણે એક વ્યક્તિ મૃત્યુ પામે છે.

ગાંધીનગર શહેર અને જિલ્લામાં વર્ષ ૨૦૧૭માં ૩,૩૯૩ દર્દીઓ, વર્ષ ૨૦૧૮માં ૩,૮૪૧ દર્દીઓ, વર્ષ ૨૦૧૯માં ૪,૨૯૬ દર્દીઓ, વર્ષ ૨૦૨૦માં ૨,૬૧૯ કેસ , વર્ષ ૨૦૨૧માં ૩,૪૧૦ કેસ જ્યારે વર્ષ ૨૦૨૨માં ૩,૮૩૫ દર્દીઓ  વર્ષ ૨૦૨૩માં ૨,૩૬૦ કેસ શોધવામાં આવ્યા છે. આ ચેપ દર્દીઓ વધે નહીં તે માટે સરકાર દ્વારા ખાસ તકેદારી લેવામાં આળે છે એન ડોટ્સ પધ્ધતીથી દર્દીને સાજા કરવામાં પણ ગાંધીનગરના તંત્રને સારી સફળતા મળી છે. દર્દીઓને નિ-ક્ષય મિત્ર દ્વારા ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવાની સાથે સમયસર દવા લે તે માટેના પગલા પણ ભરવામાં આવે છે. જેના કારણે ગાંધીનગરમાં દર્દીઓ સાજા થવાનો રેટ વધીને ૯૧ ટકા સુધી પહોંચી ગયો છે.

 ૨૦૨૫ પહેલા ભારતને ક્ષયમુક્ત કરવું મુશ્કેલ

આવતીકાલે તા.૨૪મી માર્ચને વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે પાંચ વર્ષ અગાઉ વર્ષ ૨૦૨૫માં ભારતને ક્ષયમુક્ત કરવાનું આહવાહ્ન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવ્યું હતું જેના પગલે ગુજરાતને વર્ષ ૨૦૨૩ સુધીમાં ક્ષયમુક્ત કરવા માટેના પ્લાનીંગ હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ હજુ સુધી ગુજરાતમાં કોઇ એક જિલ્લો કે કોઇ શહેર પણ ટીબી મુક્ત થઇ શક્યો નથી અને વર્ષ ૨૦૨૪ શરૃ થઇ ગયું છે. જો કે, ટીબીમુક્ત ગ્રામપંચાયત અને ટીબીમુક્ત તાલુકો બનાવીને જિલ્લાને ટીબીમુક્ત કરવા માટે મથામણ કરવામાં આવી રહી છે.

 એક વર્ષમાં ટીબીના કેસ ૩૯ ટકા ઘટયા

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ચાર વર્ષમાં ટીબીના કુલ ૧૨ હજારથી પણ વધુ કેસ મળી આવ્યા છે. જેમાં વર્ષ ૨૦૨૨માં સરકારી સંસ્થા તથા ખાનગી ડોક્ટર્સ તરફથી મળી આવેલા કેસ મળીને કુલ ૩,૮૩૫ ટીબીના કેસ નોંધાયા હતા. ત્યારે વર્ષ ૨૦૨૩ દરમ્યાન ખાનગી અને સરકારી મળીને કુલ ૨,૩૬૦ જેટલા કેસ જ સરકારી ચોપડે નોંધાયા છે. જે વર્ષ ૨૦૨૨ કરતા ૬૧ ટકા જેટલા છે જેથી ૩૯ ટકા જેટલા કેસ ઘટયા છે તેમ કહી શકાય જો કે, હઠિલા કેસની સંખ્યામાં વધારો થયો છે અને વર્ષ ૨૦૨૩માં ૪૫ હઠિલા ટીબીના કેસ મળી આવ્યા છે.


Google NewsGoogle News