વડોદરા જીવતા બોમ્બ પર બેઠું છે, આસપાસ 1000 કરતાં વધારે કેમિકલ ઉદ્યોગો
Vadodara Chemical Company : ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની ગુજરાત રિફાઈનરીની બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં લાગેલી આગ રાત્રે પણ ચાલુ રહી છે. આસપાસના હજારો લોકોના જીવ આ દુર્ઘટનાએ અદ્ધર કરી દીધા છે.એમ પણ વડોદરા જીવતા બોમ્બ પર બેઠું છે તેવુ અવાર નવાર કહેવામાં આવે છે.
કારણકે વડોદરાની આસપાસ 1000 જેટલા નાના મોટા કેમિકલ ઉદ્યોગો કાર્યરત છે. આ ઉપરાંત ગુજરાત રિફાઈનરી, જીએસએફસી, જીએસીએલ, આઈપીસીએલ( હવે રિલાયન્સ) જેવી મોટી કંપનીઓ તો ખરી જ. વડોદરા નજીકના નંદેસરી, પાદરા, રણોલી, પોઈચા-રાણીયા વિસ્તારમાં સેંકડો કેમિકલ ઉદ્યોગો ધમધમી રહ્યા છે. જેમાં સેંકડો પ્રકારના કેમિકલોનો અલગ અલગ પ્રકારની પ્રોડકટસ બનાવવા માટે ઉપયોગ થાય છે. કેમિકલ ઉદ્યોગોમાં ભૂતકાળમાં છાશવારે અકસ્માતો પણ થયા છે.
સદનસીબે તેની વ્યાપક અસર વરતાઈ નથી પણ આ દુર્ઘટનાઓ વડોદરા જીવતા બોમ્બ પર બેઠું છે તેની યાદ અપાવતી રહે છે.તો લોકોને ભોપાલની ગોઝારી હોનારતની પણ યાદ તાજા થઈ જાય છે.
ઉલ્લેખનીય છે કે, ભોપાલમાં 1984માં યુનિયન કાર્બાઈડ કંપનીમાંથી 45 ટન જેટલો મિથાઈલ આઈસોસાઈનેટ ગેસ લીક થયો હતો અને તેમાં જોત જોતામાં ભોપાલના 15000 જેટલા નાગરિકો મોતને ભેટયા હતા. વડોદરામાં પણ જ્યારે સેંકડો કેમિકલ ઉદ્યોગો છે ત્યારે વડોદરાનુ તંત્ર કોઈ અણધારી દુર્ઘટના બને તો કેટલુ સજ્જ છે તેવો સવાલ પણ લોકોમાં ઉભો થઈ રહ્યો છે.