એક બસમાં 100 કરતા વધારે વિદ્યાર્થીઓને ભરવામાં આવે છે, વિદ્યાર્થીઓની વડોદરામાં એસ.ટી તંત્ર સમક્ષ રજૂઆત
Vadodara News : ગુજરાત સરકાર વિકાસની મોટી મોટી ગુલબાંગો હાંકે છે પણ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે રોજે રોજ ભારે સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે. એમ.એસ.યુનિવર્સિટીમાં સાવલી, સાકરદા અને આણંદના ગ્રામ્ય વિસ્તારોમાંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ એસ.ટી બસના ધાંધિયાનો સામનો કરી રહ્યા છે.
એમ.એસ.યુનિવર્સિટીમાં 500 કરતા વધારે વિદ્યાર્થીઓ આ વિસ્તારોમાંથી ભણવા માટે રોજ અપ ડાઉન કરે છે અને મોટાભાગના વિદ્યાર્થીઓ એસ.ટી બસ પર આધાર રાખે છે. જોકે વિદ્યાર્થીઓનું કહેવું છે કે, એસ.ટી બસોની સંખ્યા ઓછી છે અને આ રૂટ પરની બસો અલગ અલગ જગ્યાએ ઉભી રહે છે. જેના કારણે અમે પાસ કઢાવ્યા બાદ પણ ઉભા ઉભા મુસાફરી કરીને રોજ અવર જવર કરીએ છે. એસ.ટી બસોના અભાવે અને મુસાફરો વધારે હોવાથી એક બસમાં 100 કરતા વધારે વિદ્યાર્થીઓને ઘેંટા બકરાની માફક ભરાઈને ઉભા રહેવું પડે છે.
એસ.ટી બસોના ધાંધિયાનો સામનો કરી રહેલા આ વિદ્યાર્થીઓનો રોષ આજે સપાટી પર આવ્યો હતો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં આવેલી ડિવિઝનલ કચેરી ખાતે પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓએ રજૂઆત કરતા કહ્યું હતું કે, બસમાં ઉભા રહેવાની પણ જગ્યા નથી હોતી. ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓને નાછૂટકે સલામતીને અવગણીને પણ બસમાં બેસવંન પડે છે.આમ વિદ્યાર્થીઓની સુરક્ષા પણ રોજ જોખમાઈ રહી છે.
વિદ્યાર્થીઓએ ચીમકી આપી હતી કે, જો 48 કલાકમાં એસ.ટી વિભાગ વિદ્યાર્થીઓ માટે અલાયદી બસો ફાળવવાની કાર્યવાહી નહીં કરે તો વિદ્યાર્થીઓ ચક્કા જામ કરશે. આ પહેલા પણ અમે સ્થાનિક કક્ષાએ રજૂઆત કરી ચૂકયા છે પણ તેનુ કોઈ પરિણામ આવ્યું નથી. વિદ્યાર્થીઓ પોતે કેવી જોખમી હાલતમાં બસમાં મુસાફરી કરે છે તેના વિડિયો પણ અધિકારીઓને રજૂઆત દરમિયાન દર્શાવ્યા હતા.