3 દિવસમાં વડોદરા શહેર-જિલ્લામાં પૂરના પાણીમાં ફસાયેલા 10 હજારથી વધારે લોકોને સલામત સ્થળે ખસેડાયા
Vadodara Flooding Rescue : અતિભારે વરસાદ અને પૂરના કારણે વડોદરા શહેર-જિલ્લામાં સર્જાયેલી પરિસ્થિતિના કારણે વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. છેલ્લા ત્રણ દિવસમાં વડોદરા શહેર-જિલ્લાના પ્રભાવિત વિસ્તારોમાંથી કુલ 10,335 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જેમાંથી હાલની સ્થિતિએ 9704 લોકો આશ્રયસ્થાનોમાં સુરક્ષિત છે, જ્યારે 333 લોકો સ્થિતિ સામાન્ય થતા તેમના ઘરે પરત ફર્યા છે.
આ પણ વાંચો : આ 3 દિવસ ક્યારેય નહીં ભુલાય, અમારી મદદે કોઈ ન આવ્યું, પૂરના પાણી ઓસર્યા બાદ વડોદરામાં જનઆક્રોશ
વડોદરા શહેરની વાત કરીએ તો, છેલ્લા ત્રણ દિવસમાં વડોદરા શહેરમાંથી કુલ 4,335 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેઓ હાલની સ્થિતિએ આશ્રયસ્થાનોમાં સુરક્ષિત છે. શહેરના દક્ષિણ વિસ્તારમાંથી 412 લોકોનું, પૂર્વ વિસ્તારમાંથી 1960 લોકોનું, ઉત્તર ભાગમાંથી 1502 લોકોનું તેમજ શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી 461 લોકોને છેલ્લા ત્રણ દિવસમાં વિવિધ સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
વડોદરા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં કુલ 6,000 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જેમાં વડોદરા તાલુકામાંથી 2493, સાવલી તાલુકામાંથી 1015, ડભોઈ તાલુકામાંથી 575, વાઘોડીયા તાલુકામાંથી 192 અને પાદરા તાલુકામાંથી 1725 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. વડોદરા જિલ્લામાં સ્થળાંતરિત કરાયેલા લોકોમાંથી હાલ 333 લોકો સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા છે, જ્યારે બાકીના લોકો આશ્રયસ્થાનમાં છે.
વરસાદી આફતમાં બચાવ-રાહત કામગીરી વધારે સઘન બને તે માટે વડોદરામાં આર્મી, એન.ડી.આર.એફ., એસ.ડી.આર.એફ, ફાયર બ્રિગેડ તેમજ અન્ય રેસ્ક્યુ ટીમો અસરગ્રસ્તો માટે આજે પણ તૈનાત રાખવામાં આવી છે.
આ પણ વાંચો : વડોદરામાં 50% દુકાનો પૂરથી પ્રભાવિત, 90% વેપારીઓ પાસે વીમો નથી, તહેવાર ટાણે કરોડોનું નુકસાન