વડોદરા: વસતી ગણતરીના આધારે 18 થી 19 વર્ષની વય જૂથના અંદાજે 1.22 લાખથી વધુ યુવાનો મતદાર તરીકે નોંધાશે
વડોદરા,તા.28 ઓક્ટોબર 2021,ગુરૂવાર
તા.1 લી જાન્યુઆરી,2022 ના રોજ જેમની 18 વર્ષની ઉંમર પૂરી થાય છે તેવા યુવાઓ હાલમાં ચાલી રહેલી મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણા હેઠળ મતદાર તરીકે નામ નોંધણીને પાત્ર છે તેવી જાણકારી આપતાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આર.બી.બારડે જણાવ્યું કે, વસતી ગણતરી આધારિત અંદાજ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લાની 10 વિધાનસભા બેઠકના વિસ્તારોમાં 18 થી 19 વર્ષની વય જૂથના 122360 યુવાઓ મતદાર તરીકે નોંધણી કરાવવાને પાત્ર છે. આ પૈકી 47350 ની નોંધણી સતત ચાલતી પ્રક્રિયા હેઠળ કરી દેવામાં આવી છે. જ્યારે બાકી રહેલા 75010 યુવાઓની નોંધણી માટે સુધારણા હેઠળ ઝુંબેશ ચલાવવામાં આવશે.
દિવ્યાંગ મતદારોની નોંધણીનો લક્ષ્યાંક 36983 છે. હાલમાં 22124 મતદાર તરીકે નોંધાયેલા છે. જ્યારે સરકારના સંબંધિત વિભાગ અને દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓની મદદ લઈને જેઓ મતદાર તરીકે નોંધણીને પાત્ર છે પરંતુ હજુ નોંધણીથી વંચિત છે એ તમામના નામ નોંધાય અને મતાધિકાર મળે એવો પ્રયત્ન કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે મતદાર યાદીનું અદ્યતનીકરણએ સતત ચાલતી પ્રક્રિયા છે. તેમ છતાં, મતદાર તરીકે લાયક કોઈપણ વ્યક્તિ મતાધિકારથી વંચિત ન રહે તેની તકેદારીના ભાગરૂપે દર વર્ષે સંક્ષિપ્ત સુધારણા હાથ ધરવામાં આવે છે. લોકશાહીની તંદુરસ્તી માટે લાયક તમામને સમાવી લેતી મતદાર યાદી જરૂરી છે. ક્ષતિરહિત મતદાર યાદી સ્વસ્થ લોકશાહી માટે અનિવાર્ય છે.
તેમણે જણાવ્યું કે હાલમાં જેમના નામ મતદાર યાદીમાં છે તેમણે પણ આ સમયગાળામાં મતદાર યાદીમાં પોતાનું નામ સચોટ રીતે નોંધાયેલું હોવાની ખાત્રી કરી લેવી જોઈએ.
મતદાર યાદીમાં નામ નોંધણી, નામમાં સુધારો સહિતની કામગીરી ઓનલાઇન અને ઓફ્લાઈન બંને રીતે થાય છે.
લાયક યુવાઓની નોંધણીને પ્રોત્સાહન આપવા કોલેજોમાં વિદ્યાર્થી એમ્બેસેડર નીમવામાં આવ્યા છે. ગ્રામ કક્ષાએ સમિતિ બનાવવામાં આવી છે. જિલ્લાસ્તરની સ્વિપ કમિટી દ્વારા અભિનવ રીતે મતદાર નામ નોંધણીની વ્યવસ્થાનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભવાઇના વેશ જેવા પરંપરાગત માધ્યમોનો વિનિયોગ કરીને ગામડાઓ સુધી ઝુંબેશને વ્યાપક બનાવવામાં આવશે.
તા.1લી નવેમ્બરના રોજ પ્રસિદ્ધ થનારા મુસદ્દા પ્રમાણે હાલમાં હાલમાં 5 શહેરી અને 5 ગ્રામીણ વિધાનસભા વિસ્તારોમાં 1302324 પુરુષ, 1234004 મહિલા અને 227 અન્ય મળીને વડોદરા શહેર અને જિલ્લાના કુલ મતદારોની સંખ્યા 2536555 છે.