સુરતના તત્કાલીન TPO કે.એલ. ભોયા અને આશ્રિતોની હજી વધુ સંપત્તિ હોવાની ACBને આશંકા
૧.૫૭ કરોડની ભ્રષ્ટાચારી અસ્કયામતો મળ્યા બાદ વડોદરા અને વલસાડ જિલ્લામાં હજી તપાસ ચાલુ
વડોદરા, તા.14 સુરત નગર નિયોજકની કચેરીના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર કે.એલ. ભોયાએ પોતાની ફરજ દરમિયાન મોટાપાયે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું બહાર આવ્યા બાદ એસીબી દ્વારા ગુનો દાખલ કરી ભોયાને રિમાન્ડ પર લેવાયા છે. એસીબી દ્વારા ભોયાએ ભ્રષ્ટાચાર આચરીને પોતાના તેમજ પત્ની, પુત્ર અને પુત્રીના નામે હજી વધુ મિલકતો વસાવી હોવાની આશંકા સાથે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી નગર નિયોજકની કચેરીના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર કૈલાસભાઇ લાહનાભાઇ ભોયા (રહે.૫,નહેરુપાર્ક, ઉર્મિ ચાર રસ્તા નજીક, જેતલપુરરોડ, વડોદરા, મૂળ વતન તુતરખેડ, તા.ધરમપુર, જિલ્લો વલસાડ)એ ફરજ દરમિયાન મોટાપાયે ભ્રષ્ટાચાર આચરી પોતાના તેમજ આશ્રિતોના નામે અપ્રમાણસર મિલકતો વસાવી હોવાની માહિતી બહાર આવતાં વડોદરા એ.સી.બી. દ્વારા તેમની સામે ભ્રષ્ટાચાર આચરીને અપ્રમાણસર મિલકતો વસાવી હોવાનો ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી હતી.
એ.સી.બી.દ્વારા કૈલાસ ભોયાને કોર્ટમાં રજૂ કરી ગઇકાલે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં. વડોદરા, સુરત અને જૂનાગઢ ખાતે લાંબો સમય સુધી ફરજ બજાવનાર કે.એલ. ભોયાની મિલકતોની ખાનગી તપાસ બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જો કે હજી પણ વધુ અપ્રમાણસર મિલકતો પોતાના, પત્ની અથવા પુત્ર તેમજ પુત્રીના નામે હોવાની આશંકાના પગલે એસીબી દ્વારા વધુ દસ્તાવેજોના આધારે તપાસણી કરવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સંબંધિત વ્યક્તિઓના નિવેદનો પણ મેળવવાનું ચાલું છે.