કોમર્સમાં ૨૦૦૦ હાયર પેમેન્ટ બેઠકો સામે ૨૭૦૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોએ વિદ્યાર્થીઓની ગરજનો લાભ ઉઠાવવા માટે એફવાયમાં હાયર પેમેન્ટ બેઠકો પર ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હોવાની ચોેંકાવનારી વિગતો સપાટી પર આવી છે.
કોમર્સ ફેકલ્ટીમાં એફવાયના વિદ્યાર્થીઓને મેઈન બિલ્ડિંગ, પાદરા કોલેજ, ગર્લ્સ કોલેજ અને જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ એમ ચાર યુનિટ પર પ્રવેશ આપવામાં આવે છે.આ પૈકી જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ પર હાયર પેમેન્ટ બેઠકો રાખવામાં આવી છે.અહીંયા પ્રવેશ લેનારાએ વર્ષે ૧૬૦૦૦ રુપિયા જેટલી ફી ભરવાની હોય છે.
એફવાયમાં પ્રવેશ આપવાની કાર્યવાહી શરુ કરાઈ ત્યારે વિદ્યાર્થીઓનો ધસારો થયો હતો.સત્તાધીશો પર ૫૪૦૦ બેઠકોની જગ્યાએ વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું દબાણ સર્જાયુ હતુ.હવે એવી વિગતો સપાટી પર આવી છે કે, વિદ્યાર્થીઓની ગરજનો લાભ ઉઠાવીને જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ પર ૨૦૦૦ની ક્ષમતા સામે ૨૭૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો છે.જેની સામે અન્ય ત્રણ યુનિટો પરની ગ્રાન્ટ ઈન એઈડ બેઠકો પર ઓછા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યા છે.સત્તાધીશોએ ગ્રાન્ટ ઈન એઈડ બેઠકો પર વધારે પ્રવેશ આપ્યા હોત તો વિદ્યાર્થીઓ અને વાલીઓ પરનો નાણાકીય બોજ ઓછો થયો હોત.ગ્રાન્ટેડ બેઠકો પર વર્ષે ૮૦૦૦ રુપિયા ફી લેવાતી હોય છે.
સૂત્રોનું કહેવું છે કે, જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ પર ૧૦૦૦ પાટલીઓ છે અને દરેક પાટલી પર બે જ વિદ્યાર્થીઓ બેસી શકે છે.આ સંજોગોમાં ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ માટે ઈન્ટરનલ પરીક્ષાને ધ્યાનમાં રાખીને ડોનર્સ પ્લાઝાના જૂના બીકોમ ઓનર્સના કોર્સના બિલ્ડિંગમાં બેઠક વ્યવસ્થા ગોઠવવી પડી છે અને કેટલાક વિદ્યાર્થીઓને બદલાયેલી બેઠક વ્યવસ્થાની જાણકારી નહીં હોવાથી પહેલા દિવસે તેઓ અટવાયા હતા.