આંદોલન બાદ વીજ કંપનીએ પાંચ મહિનામાં વધુ 23000 સ્માર્ટ મીટરો લગાવ્યા
વડોદરાઃ વડોદરા શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી સામે ભારે ઉહાપોહ થયો હતો અને લોકો આંદોલન કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા.એ પછી વીજ કંપનીએ થોડા સમય માટે આ મીટરો લગાવવાનું બંધ કર્યું હતું.
જોકે એ પછી સરકારી ઓફિસો તેમજ નવા વીજ જોડાણો અને નવા સોલર જોડાણો લેનારા ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટરો લગાવવાની નીતિ અપનાવવામાં આવી હતી.જેના કારણે છેલ્લા પાંચ મહિનામાં નવા ૨૩૦૦૦ જેટલા સ્માર્ટ વીજ મીટરો અલગ અલગ જગ્યાએ લાગ્યા છે.આમ મધ્ય ગુજરાતમાં વડોદરા સહિત અલગ અલગ સ્થળોએ લગભગ ૫૦૦૦૦ જેટલા સ્માર્ટ મીટરો લાગી ચુકયા છે.ઉલ્લેખનીય છે કે, આંદોલન શરુ થયું તે પહેલા પાયલોટ પ્રોજેકટના ભાગરુપે ૨૭૦૦૦ જેટલા સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા હતા.
મધ્ય ગુજરાત વીજ કંપનીના સૂત્રોનું કહેવું છે કે, જ્યાં પણ સ્માર્ટ મીટર લગાવાય છે અથવા લગાવવામાં આવી રહ્યા છે ત્યાંથી કોઈ જાતની ફરિયાદ મળી રહી નથી.પાંચ મહિનામાં જે ૨૩૦૦૦ વીજ મીટરો લગાવવામાં આવ્યા છે તે પૈકી ૩૫૦૦ સ્માર્ટ મીટરો સરકારી ઓફિસોમાં લગાવાયા છે.મધ્ય ગુજરાતની સરકારી ઓફિસોમાં કુલ ૨૬૦૦૦ સ્માર્ટ મીટરો લગાવવાનો ટાર્ગેટ છે.નવા જોડાણો આપવાની પ્રક્રિયા તો સતત ચાલતી જ રહે છે અને તેના કારણે દર મહિને ૫૦૦૦ નવા સ્માર્ટ મીટરો લાગી રહ્યા છે.
સૂત્રોનું કહેવું છે કે, આમ જનતાને સ્માર્ટ મીટરો પર વધારે ભરોસો બેસે તે માટે મધ્ય ગુજરાત વીજ કંપની સહિત સરકારની તમામ વીજ કંપનીઓના કર્મચારીઓના ઘરોમાં બીજા ૫૦૦૦૦ સ્માર્ટ મીટરો લગાવવાનું નક્કી કરાયું છે.જેમાં કર્મચારીઓ નોકરીના કારણે અલગ રહેતા હોય તો તેમના પરિવારજનો જ્યાં રહેતા હોય તેવા ઘરોનો પણ સમાવેશ થાય છે.
આંદોલન પહેલા લગાવાયેલા સ્માર્ટ મીટર કાઢવામાં આવ્યા નથી
આંદોલન પહેલા ૨૭૦૦૦ જેટલા મીટરો લગાવવામાં આવ્યા હતા.આ મીટરોમાં વીજ બિલ વધારે આવી રહ્યું છે તેવા આક્ષેપો સાથે આ મીટરો સામે વિરોધ શરુ થયો હતો.જ્યાં પણ આ મીટરો લગાવાયા હતા ત્યાં લોકોએ સ્માર્ટ મીટરો કાઢવામાં આવે અને જૂના મીટરો લગાવવામાં આવે તેવી માગ કરી હતી.વીજ કંપનીના સૂત્રોનું કહેવું છે કે, આ પૈકીનું એક પણ મીટર કાઢવામાં આવ્યું નથી.
સ્માર્ટ મીટરોના ગ્રાહકોને પોસ્ટ પેઈડ બિલ આપવાનું યથાવત
સ્માર્ટ વીજ મીટરોમાં માત્ર પ્રી પેઈડની જ સુવિધા છે.જ્યારે અત્યારના મીટરોમાં ગ્રાહકોને બિલ ભરવા માટે સમય મળે છે.જેને લઈને પણ સ્માર્ટ મીટરોનો વિરોધ થયો હતો.કંપનીએ આંદોલનના પગલે પાયલોટ પ્રોજેકટમાં જેટલા પણ ગ્રાહકોને ત્યાં મીટરો લગાવાયા છે તેમને પોસ્ટ પેઈડ બિલ આપવાનું શરુ કર્યું હતું.જે હજી ચાલુ રાખ્યું છે.નવા જોડાણોમાં સ્માર્ટ મીટર લગાવાય છે પણ આવા ગ્રાહકોને પણ પોસ્ટ પેઈડ બિલ જ આપવામાં આવી રહ્યા છે.આ સુવિધા આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવે તેવી શક્યતા છે.
૧૨૨ ચેક મીટરો લગાવાયા, બિલ એક સરખું આવતું હોવાનો દાવો
વીજ કંપની દ્વારા ૧૨૨ જેટલા જોડાણો પર ચેક મીટર લગાવાયા છે.આ એવા જોડાણો છે જ્યાં પરંપરાગત મીટરની સાથે સ્માર્ટ મીટરો પણ લાગેલા છે અને તેના પર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.વીજ કંપનીનો દાવો છે કે, બંને મીટરોમાં એક સરખુ જ વીજ બિલ આવી રહ્યું છે.દર મહિને આ મીટરોને મોનિટર કરાઈ રહ્યા છે.
પ્રી પેઈડ પેમેન્ટ પર ગ્રાહકોને બે ટકા રિબેટ અપાશે
મળતી વિગતો પ્રમાણે સરકારે સ્માર્ટ મીટરોમાં થનારા પ્રી પેઈડ પેમેન્ટ માટે ૨ ટકા રિબેટની જોગવાઈ કરી છે.જ્યારે પણ સ્માર્ટ મીટરોમાં પ્રી પેઈડ પેમેન્ટની નીતિ લાગુ કરાશે ત્યારે દરેક પેમેન્ટ પર ગ્રાહકોને બે ટકા વળતર આપવામાં આવશે.જૂન મહિનાથી આ નીતિ લાગુ કરવામાં આવી છે.