મૂરજાણી ૭ : ૫૦ વાગ્યે ઘરે આવીને તરત જ ઉપરના માળે જતા રહ્યા હતા
રાતે ૯ : ૦૩ વાગ્યે પાણીગેટ પોલીસ સ્થળ પર પહોંચી : પોલીસે સીસીટીવીના ફૂટેજ કબજે કર્યા
વડોદરા,પી.વી. મૂરજાણીના આપઘાત કેસમાં પોલીસ હાલ અકસ્માત મોતની નોંધ કરી તપાસ કરી રહી છે. એ.ડી.ની તપાસમાં પોલીસે મૂરજાણીના ઘરે ફિટ કરેલા સીસીટીવીના ફૂટેજ કબજે કર્યા છે. સીસીટીવીમાં મૂરજાણી સાંજે ૭ ઃ ૫૦ વાગ્યે ઘરે આવે છે અને રાતે ૮ ઃ ૫૪ વાગ્યે તેમના મોતની જાણ તેમનો ભત્રીજો પોલીસ કંટ્રોલ રૃમમાં કરે છે.
વાઘોડિયા રોડ ડી માર્ટ પાસે નારાયણ ડૂપ્લેક્સમાં રહેતા કન્ઝ્યૂમર એક્ટિવિસ્ટ પી.વી. મૂરજાણીએ ગત શુક્રવારે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ફાયરિંગકરી આપઘાત કરી લીધો હતો.માનેલી દીકરી કોમલ અને કોમલની માતા સંગીતાબેનના અસહ્ય ત્રાસથી કંટાળીને તેમણે જીવન ટૂંકાવી દીધું હતું. મા દીકરી તેઓને સતત બ્લેકમેલ કરતા હતા કે, તમારા વિરૃદ્ધ બળાત્કારની ફરિયાદ કરી દઇશું. બદનામીના ડરથી મૂરજાણીએ આપઘાત કર્યો હતો. મા દીકરી જ તેમના આપઘાત માટે જવાબદાર છે. તેવો ઉલ્લેખ મૂરજાણીએ પોતાની અંતિમ ચિઠ્ઠીમાં પણ કર્યો હતો. પોલીસે મૂરજાણીના ઘરમાં ફિટ કરેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા એવું જાણવા મળ્યું હતું કે, તેઓ સાંજે ૭ઃ ૫૦ વાગ્યે ઘરે આવ્યા હતા. બૂટ કાઢીને તેઓ તરત ઉપરના માળે જતા રહ્યા હતા. રાતે સાડા આઠ વાગ્યે તેમના પત્ની બૂમ પાડી તેઓને નીચે આવવાનું કહે છે. પરંતુ, મૂરજાણી નીચે નહીં આવતા તેમના પત્ની ઉપરના માળે જાય છે અને તરત જ ગભરાયેલા નીચે ઉતરે છે. ત્યારબાદ તેઓ પોતાના ભત્રીજાને કોલ કરીને બનાવની જાણ કરે છે.ભત્રીજો અને તેમના પત્ની તરત જ ઘરે આવે છે. સૌ પ્રથમ તેઓ એમ્બ્યુલન્સને કોલ કરે છે અને ત્યારબાદ પોલીસને કોલ કરે છે. પાણીગેટ પોલીસ રાતે ૯ ઃ ૦૩ વાગ્યે મૂરજાણીના ઘરે પહોંચી જાય છે.
મૂરજાણીની પ્રોપર્ટી અને બેન્ક એકાઉન્ટની વિગતો મેળવવા પોલીસની કવાયત
વડોદરા,કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પી.વી.મૂરજાણીના બેન્ક એકાઉન્ટની વિગતો મેળવવાની કવાયત પોલીસે હાથ ધરી છે. તેઓના એકાઉન્ટમાંથી કોને પેમેન્ટ થયું હતું. તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. તેમજ તેમના નંબરની કોલ ડિટેલ પણ પોલીસે મોબાઇલ કંપની પાસેથી મંગાવી છે. જેથી, છેલ્લે તેમણે કોની સાથે વાતચીત કરી ? તે જાણી શકાય. તેમના પરિવારજનો હજી અંતિમ વિધિમાં વ્યસ્ત છે. આજે સાંજે તેમનું બેસણું હતું. મૂરજાણીએ કોમલને પેટ્રોલપંપ પણ અપાવ્યો હતો. કોમલ અને સંગીતા જે ફ્લેટમાં રહેતા હતા. તે ફ્લેટ પણ મૂરજાણીએ અપાવ્યો હતો. જેથી, પોલીસ દ્વારા તેના પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા મૂરજાણીના બેન્ક વ્યવહારોની વિગતો ચકાસવામાં આવી રહી છે. તેમજ પેટ્રોલ પંપ અને ફ્લેટના દસ્તાવેજો મેળવવાની પણ કાર્યવાહી શરૃ કરવામાં આવી છે.