વડોદરા કોર્પોરેશનના વાહનોનું GPS ડીવાયસીસનું મોનિટરિંગ કોર્પોરેશન દ્વારા જ થવું જોઈએ
- 77 લાખના ખર્ચે જીપીએસ ભાડેથી લેવાને બદલે કોર્પોરેશને ખરીદવા જોઈએ તેવી વિપક્ષની માંગણી
- સ્ટેન્ડિંગ સમિતિમાં જીપીએસ ભાડે લેવાની દરખાસ્ત મુલતવી
વડોદરા,તા.10 ફેબ્રુઆરી 2024,શનિવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વ્હીકલ પુલ શાખાના 450 વાહનોમાં જી.પી.એસ. ડીવાઇસ ભાડેથી લેવા તથા જરૂરીયાત પ્રમાણે 77.49 લાખના ખર્ચે ડીવાઇસીસ ઇન્સ્ટોલ અને મેન્ટેનન્સ માટે 5 વર્ષનો કોન્ટ્રાક્ટ કરવા તેમજ વ્હીકલ પુલ શાખા દ્વારા જો નવા વાહનો ખરીદવામાં આવે તો તેના માટે આ જ ઇજાનદાર પાસેથી જીપીએસ ડિવાઇસ ભાડેથી લઇને લગાવવાની મંજુરી માંગતી દરખાસ્ત સ્ટેન્ડિંગ સમિતિમાં રજૂ થઈ હતી જે મુલતવી રાખવામાં આવી છે.
દરમિયાન વિરોધ પક્ષ કોંગ્રેસે સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષને આ દરખાસ્ત ના મંજૂર કરવાની માગણી કરતા રજૂઆત કરી હતી કે દરખાસ્ત જોતા પ્રથમ દ્રષ્ટીએ લાગે છે કે એક સરખા જ જીપીએસ ડીવાઇસ બધા પ્રકારના વાહન પર લગાવવાના છે. આનાથી ફક્ત વ્હીકલની મુવમેન્ટ ખબર પડશે પણ અન્ય બાબતો ખબર પડશે નહીં. કોર્પોરેશનના વાહનો વર્ષો સુધી ચાલતા હોય ત્યારે ડીવાઇસ પોતાના જ ખર્ચે ખરીદી ઇન્સ્ટોલ કરવા આર્થિક દ્રષ્ટીએ વધુ હિતાવહ જણાય છે. ડીવાઇસ નાંખ્યા બાદ તેનું મોનીટરીંગ કરવું પણ એટલું જ જરૂરી છે. જીપીએસ ટ્રેકીંગનુંમોનીટરીંગ સીસ્ટમ માટેનું સોફ્ટવેર વડોદરા મહાનગરપાલિકાએ બનાવવું જોઇએ. ડોર ટુ ડોરની ગાડીઓમાં કચરો લેવા માટે ગાડીઓ તેના રૂટ ઉપર ફરે છે કે નહી તેનું મોનીટરીંગ ખાનગી એજન્સી દ્વારા નિયત કરેલા લોકો દ્વારા કરવામાં આવે છે. મહાનગરપાલિકા પાસે જે વાહનો છે તે વાહનોમાં કયા કયા પ્રકારના. જીપીએસ ડીવાઇસ લગાવી શકાય કે જેનાથી તેનું ચોક્કસ મોનીટરીંગ થઇ શકે તે પ્રકારના ડિવાઇસ વડોદરા મહાનગરપાલિકાએ ખરીદવા જોઇએ અને તેનું મોનીટરીંગ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા સોફ્ટવેર થકી પાલિકાના કર્મચારીઓ દ્વારા થવું જોઇએ અને આ માટે અલગથી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજુ કરવા માંગણી કરી હતી.